અમેરિકન શેરબજારમાં ગુરુવારે મોડી રાત્રે મોટો કડાકો બોલ્યો હતો, જેમાં રોકાણકારોની સંપત્તિના આશરે 3 ટ્રિલિયન ડોલર (રૂ. 270 લાખ કરોડથી વધુ) ધોવાઈ ગયા હતા. આ ઘટાડા પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રને લઈને ઊભી થયેલી આશંકાઓ મુખ્ય કારણ મનાઈ રહી છે.
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ AI ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ પર નવા પ્રતિબંધો લાગવાની ભીતિથી ચિપ ઉત્પાદક કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના કારણે S&P 500 ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો, ડાઉ જોન્સમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને નેસ્ડેક 5.52 ટકા ઘટીને 24,315.00 પર બંધ રહ્યો હતો.
આ કડાકાની અસર એશિયાઈ બજારો પર પણ જોવા મળી હતી. શુક્રવારે દક્ષિણ કોરિયાનું બજાર 'કોસ્પી' (KOSPI) ખુલતાની સાથે જ 8 ટકાથી વધુ તૂટીને લોઅર સર્કિટ પર પહોંચી ગયું હતું. શરૂઆતી કારોબારમાં તે 8.5 ટકા ઘટીને 5000ના સ્તરથી નીચે જતો રહ્યો હતો, જેના કારણે ટ્રેડિંગ 20 મિનિટ માટે સ્થગિત કરવું પડ્યું હતું. તેવી જ રીતે જાપાનનો 'નિકેઈ' (Nikkei) ઈન્ડેક્સ પણ 6 ટકા (3600થી વધુ પોઈન્ટ) તૂટીને 57,434.77ના સ્તરે આવી ગયો હતો. જાપાનનું બજાર છેલ્લા એક મહિનામાં 18 ટકાથી વધુ ગગડ્યું છે.
જોકે, એશિયાઈ બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 900 પોઈન્ટના ઉછાળા સાથે 80,000ની સપાટી વટાવી ગયો હતો, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ વધીને 24,740ને પાર પહોંચ્યો હતો. પરંતુ મુખ્ય સૂચકાંકોમાં તેજી હોવા છતાં મોટાભાગના સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયો નુકસાનમાં દેખાઈ રહ્યા છે. બજાર નિષ્ણાતોના મતે, આ તેજી મુખ્યત્વે લાર્જકેપ શેરોને કારણે છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો છે. મોટાભાગના નાના રોકાણકારો પાસે મિડ અને સ્મોલકેપ શેરો વધુ હોવાથી તેમના પોર્ટફોલિયોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.