વર્ષ 2026 વૈશ્વિક રોજગાર બજાર માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઈ-કોમર્સ ક્ષેત્રની મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. 7 સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા પ્રમાણે, વિશ્વની 296 કંપનીઓએ ટેકનોલોજી અને સંબંધિત ક્ષેત્રોમાં 1,29,488 કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. એમેઝોન, યુપીએસ, ઓરેકલ, એડિડાસ, સેમસંગ, ઉબર અને એપલ જેવી કંપનીઓએ પણ છટણી કરી છે.
એમેઝોને 2025ના અંતમાં 14,000 અને 2026ની શરૂઆતમાં 16,000 મળીને કુલ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. ડિલિવરી કંપની યુપીએસએ 2026માં 30,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી છે, જ્યારે ગયા વર્ષે તેણે 48,000 લોકોને છૂટા કર્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જોબ કટમાં 42 ટકાનો વધારો નોંધાયો છે.
ઓરેકલે એક જ દિવસમાં 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. સેમસંગે ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનોની માંગ ઘટવાને કારણે લગભગ 100 એક્ઝિક્યુટિવ સ્તરના કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે તબક્કાવાર છટણી કરવામાં આવશે જેથી કામકાજ પર અસર ન પડે. સેમસંગ ત્રણ મહિનાનો પગાર અને દર વર્ષની નોકરીના એક મહિનાના પગારના આધારે વળતર આપશે.
ઓટોમોબાઈલ ક્ષેત્રે ફોક્સવેગન 2030 સુધીમાં 50,000 લોકોની નોકરી કાપવાની યોજના ધરાવે છે. આગામી દાયકામાં તે એક લાખ જોબ કાપી શકે છે. કંપની પાસે ઓડી, પોર્શ, સ્કોડા, સીયેડ, બેન્ટલી અને લેમ્બોર્ગિની જેવી બ્રાન્ડ્સ છે, પરંતુ ચીનની ઇલેક્ટ્રિક કારો સાથે સ્પર્ધા કરવી તેના માટે મુશ્કેલ બની છે.
આ છટણી માટે કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ, ખર્ચ ઘટાડવા, બિઝનેસ મોડલમાં ફેરફાર, મેનેજમેન્ટમાં ઉથલપાથલ અને મંદીની શક્યતા જેવા કારણો દર્શાવી રહી છે. નવા ટ્રેન્ડ મુજબ ઓછા સ્ટાફ સાથે કામ કરતી કંપનીને વધુ બાહોશ માનવામાં આવે છે. જોકે, આ કંપનીઓ દેવાળિયા નથી અને તેમનો નફો અબજોમાં છે, તેમ છતાં તેઓ જોબ કટને પ્રાધાન્ય આપી રહી છે.