નવી દિલ્હી: વૈશ્વિક ભૂખમરો દર્શાવતો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 જાહેર થયો છે. જર્મનીની સંસ્થા WWH અને આઇરિશ સંસ્થા કોન્સર્ન વર્લ્ડવાઇડ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા આ ઇન્ડેક્સમાં ભારત 122 દેશોમાંથી 100માં ક્રમે છે. ભારતને 24.1 સ્કોર સાથે 'ગંભીર' શ્રેણીમાં મુકાયું છે. ભારતની સ્થિતિ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં ખરાબ છે, પરંતુ પાકિસ્તાન કરતાં થોડી સારી છે.
આ ઇન્ડેક્સમાં ભારતની 9.8 ટકા વસ્તી કુપોષિત હોવાનું જણાવાયું છે. પાંચ વર્ષથી ઓછી વયના 29.3 ટકા બાળકો ઉંમર મુજબની ઊંચાઈ ધરાવતા નથી (ઠીંગણાપણું). તેમજ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં દુબળાપણું વધીને 19 ટકા થયું છે, જે દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. અગાઉ આ ટકાવારી 16.9 ટકા હતી. ઇન્ડેક્સમાં અલ્પપોષણ, બાળકોમાં ઠીંગણાપણું, દુબળાપણું અને બાળમૃત્યુ દર જેવા માપદંડોનો સમાવેશ કરાયો છે.
ભારતનો સ્કોર 24.1 છે, જ્યારે નેપાળનો સ્કોર 2018માં 18.4 હતો જે 2026માં સુધરીને 14.5 થયો છે. શ્રીલંકાનો સ્કોર 11.4થી ઘટીને 10.2 થયો છે. બાંગ્લાદેશનો સ્કોર 20થી ઘટીને 19.2 થયો છે. પાકિસ્તાનનો સ્કોર 24થી વધીને 25.5 થયો છે અને તે 122 દેશોમાં 106માં ક્રમે છે. બાંગ્લાદેશમાં બાળકોના પોષણમાં ભારત કરતાં વધુ સુધારો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે આ દાવાને ફગાવ્યો છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે અગાઉ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ભારતના 80 કરોડ લોકોને સરકાર તરફથી અનાજ પૂરું પાડવામાં આવે છે, તેથી ભૂખમરાના દાવા અયોગ્ય છે.
વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે જાહેર થયેલા આંકડા વિશ્વમાં ભૂખમરા અને ખાદ્ય બબાદી વચ્ચેની ગંભીર અસમાનતા દર્શાવે છે. એક તરફ વિશ્વમાં 64.5 કરોડ લોકો ભૂખમરો અને ગંભીર કુપોષણનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ દર વર્ષે 105 કરોડ ટન ખોરાક વેડફાય છે. વિશ્વનો દરેક નાગરિક સરેરાશ દર વર્ષે 132 કિલો ખોરાક બબાદ કરે છે. માલદીવમાં વ્યક્તિદીઠ વાર્ષિક બબાદી 260 કિલો જેટલી છે, જ્યારે સ્પેનમાં તે માત્ર 39 કિલો છે. કુલ ખાદ્ય બબાદીમાં ઘરોનો હિસ્સો 60 ટકા (63.1 કરોડ ટન), હોટેલ અને રેસ્ટોરન્ટનો 28 ટકા અને છૂટક દુકાનોનો 12 ટકા છે.
ખાદ્ય બબાદી માત્ર ઘરો અને બજારો પૂરતી મર્યાદિત નથી. ઉત્પાદિત ખોરાકનો 13 ટકા હિસ્સો ખેતરથી દુકાનો સુધી પહોંચે તે પહેલાં જ બગડી જાય છે. આ પ્રક્રિયામાં 140 કરોડ હેક્ટર ફળદ્રુપ જમીન પર ઉગાડેલો ખોરાક વપરાશમાં આવ્યા વિના જ નષ્ટ થાય છે. પ્રારંભિક તબક્કાની આ બબાદીથી દર વર્ષે 40 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે.