સત્ય. સાહસ. સંકલ્પ.

વિશ્વમાં અનાજના ભાવ ચાર વર્ષની ટોચે, યુરોપ હીટવેવ અને યુદ્ધની અસર

વિશ્વમાં અનાજના ભાવ ચાર વર્ષની ટોચે, યુરોપ હીટવેવ અને યુદ્ધની અસર

નવી દિલ્હી : વિશ્વભરમાં ખાદ્યાન્નના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં અનાજ સહિતની ખાદ્ય ચીજોના ભાવ 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. આ વધારા પાછળ યુરોપમાં હીટવેવ, અલ નીનોની અસર અને ઈરાન-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં ખોરવાણીને મુખ્ય કારણ ગણાવાઈ રહ્યું છે.

એફએઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ખાદ્ય સૂચકાંક જુલાઈના ૧૩૦.૮થી વધીને ઓગસ્ટમાં ૧૩૩.૩ થયો છે. આ સૂચકાંકમાં અનાજ, વનસ્પતિ તેલ, ખાંડ, માંસ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ વધારો વૈશ્વિક બજારમાં ખાદ્ય પુરવઠા પર વધતી ભીંસ દર્શાવે છે.

યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને કારણે મકાઈ, સૂગર બીટ અને પશુધન ઉત્પાદનને નુકસાન થયું છે, જ્યારે અલ નીનોની અસરને કારણે એશિયામાં પામ ઓઈલ અને ખાંડના ઉત્પાદન અંગે ચિંતા વધી છે. બ્લેક સીમાં વધતા હુમલાઓ અને શિપિંગમાં અવરોધોને કારણે રશિયા અને યુક્રેનમાંથી અનાજની નિકાસમાં ઘટાડો થયો છે, જે સપ્લાય માટે વધુ સમસ્યા ઊભી કરી રહ્યું છે.

દરમિયાન, એફએઓએ 2026 માટેના વૈશ્વિક અનાજ ઉત્પાદનના અંદાજમાં 34 લાખ ટનનો ઘટાડો કરીને 2.980 અબજ ટન કર્યો છે, જે 2025ના સ્તરથી લગભગ બે ટકા ઓછો છે. જોકે, આ સ્તર હજુ પણ રેકોર્ડ પરનો સૌથી ઊંચો પાક રહેવાની ધારણા છે, પરંતુ વૈશ્વિક અનાજનો સ્ટોક ઓછો રહેવાના અનુમાન છે. એફએઓએ ચેતવણી આપી છે કે આબોહવા સંબંધિત આંચકા, ભૂ-રાજકીય તણાવ અને વેપાર માર્ગોમાં અવરોધ ફરી એકવાર ખાદ્ય બજારો માટે મોટું જોખમ બની શકે છે.