સોનાના વૈશ્વિક બજારમાં એક મોટો બદલાવ સામે આવ્યો છે. જાપાનની મીડિયા સંસ્થા નિક્કેઈના તાજેતરના રિપોર્ટ મુજબ, એશિયાના સોનું પેદા કરતા દેશો હવે પોતાની ખાણમાંથી નીકળતા સોનાનો વધુ ફાયદો લેવા માંગે છે. કેટલાક દેશો સોનાને પોતે શુદ્ધ કરીને તૈયાર કરી રહ્યા છે, તો કેટલાક નિકાસ પર ઊંચો કર લગાવીને સોનું દેશમાં જ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશોની સેન્ટ્રલ બેંક પણ સ્થાનિક સ્તરે સોનું ખરીદી રહી છે. સોનાના ઇતિહાસમાં આ પ્રકારનો બદલાવ પહેલીવાર જોવા મળી રહ્યો છે.
આ સ્થિતિમાં સવાલ ઊઠે છે કે ભારત પર શું અસર થશે? ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા સોનું વિદેશોથી આયાત કરે છે. જો સોનું પેદા કરતા દેશો પોતાનું સોનું રોકવા લાગે, તો બજારમાં સોનાની ઉપલબ્ધતા ઘટી શકે છે. જેનાથી ભાવ વધવાની શક્યતા છે. આની સીધી અસર ઘરેણાંની કિંમતો પર પડશે અને સોનામાં રોકાણ કરનારાઓ માટે તે ફાયદાકારક પણ બની શકે છે.
ખાણમાંથી નીકળેલું સોનું સીધું ઘરેણાં સુધી પહોંચતું નથી. પહેલા તેને શુદ્ધ કરવું પડે છે, જેને રિફાઇનિંગ કહેવાય છે. આ પ્રક્રિયામાં સોનામાંથી અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે અને તેની શુદ્ધતા નક્કી થાય છે. ત્યારબાદ તે વેપાર અને ઉપયોગમાં આવે છે. જે દેશમાં આ કામ થાય છે ત્યાં રોજગારી અને કમાણી વધે છે. તેથી સોનું પેદા કરતા દેશો માત્ર કાચો માલ નિકાસ કરવાને બદલે આ પ્રક્રિયા પોતાના દેશમાં વધારવા માંગે છે. આ વલણને 'રિસોર્સ નેશનાલિઝમ' કહેવાય છે, જેમાં દેશ પોતાના કુદરતી સંસાધનો પર વધુ નિયંત્રણ રાખવા અને તેનાથી થતી કમાણીનો મોટો હિસ્સો મેળવવા માંગે છે.
દેશો પોતાની બચત વિવિધ રીતે વહેંચે છે. તેમની પાસે વિદેશી ચલણ અને તેનાથી જોડાયેલા રોકાણ હોય છે, જેમાં ડોલરની ભૂમિકા મહત્ત્વની છે. નિક્કેઈના રિપોર્ટ મુજબ, ડોલર પરની નિર્ભરતા અંગેની ચિંતાને કારણે કેટલાક દેશો પોતાના સોના તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. વિચાર એ છે કે, આખી બચત એક જ ચલણ પર નિર્ભર ન રહેવી જોઈએ. સોનું પણ પાસે રાખવાથી જોખમ વહેંચાય છે. તેનો અર્થ એ નથી કે ડોલર ખતમ થઈ રહ્યો છે, પરંતુ દેશો વૈકલ્પિક વિકલ્પો તરફ વળી રહ્યા છે.