સત્ય. સાહસ. સંકલ્પ.

વૈશ્વિક દેવું 365 લાખ કરોડ ડોલરને વટાવ્યું, અર્થશાસ્ત્રીઓએ ચેતવણી ઉચ્ચારી

વૈશ્વિક દેવું 365 લાખ કરોડ ડોલરને વટાવ્યું, અર્થશાસ્ત્રીઓએ ચેતવણી ઉચ્ચારી

વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ (IIF) એ ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. ચાલુ વર્ષે વૈશ્વિક દેવું 10 લાખ કરોડ ડોલર વધીને 365 લાખ કરોડ ડોલરને વટાવી ગયું છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને બ્રિટન જેવા મોટા અર્થતંત્રો ઊંચા વ્યાજખર્ચ અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, જે ચિંતાનું કારણ છે.

IIF એ જણાવ્યું છે કે વિશ્વના અગ્રણી દેશોની સરકારો મોટી ખાધના ચક્રમાં ફસાઈ ગઈ છે. પરિણામે તેમનો વ્યાજખર્ચ સતત વધી રહ્યો છે અને મોંઘવારી પણ વકરી રહી છે. આથી વૈશ્વિક દેવાનો આંકડો 365 લાખ કરોડ ડોલરને પાર થઈ ગયો છે. ચાલુ વર્ષે જ આ દેવામાં 10 લાખ કરોડ ડોલરનો વધારો થયો છે.

અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને બ્રિટન હવે એ જ પડકારનો સામનો કરી રહ્યા છે, જે પહેલાં ઉભરતા બજારોના દેશો કરતા હતા. આ વિકસિત દેશો વ્યાજ ચૂકવવા પાછળ જે રકમ ખર્ચે છે તે વૈશ્વિક AI, સંરક્ષણ અને ટેકનોલોજી પરના ખર્ચ કરતાં પણ વધારે છે. IIF ના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થતા બોન્ડ પર વ્યાજ પેટે 3.3 લાખ કરોડ ડોલર ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે AI પાછળ 2.6 લાખ કરોડ ડોલર, સંરક્ષણ પાછળ 3.1 લાખ કરોડ ડોલર અને સ્વચ્છ ઊર્જા પાછળ 2.3 લાખ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ (IMF) ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ આ સ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી છે અને વિશ્વના અગ્રણી દેશોને તેના પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

વિશ્વના ટોચના અર્થતંત્રોએ છેલ્લા એક દાયકાથી મધ્યમ અને લાંબા ગાળા માટે જારી કરેલા સરકારી બોન્ડને કારણે સરકારી દેવું જંગી સ્તરે પહોંચ્યું છે. અમેરિકાનું દેવું 40 લાખ કરોડ ડોલરને વટાવી ચૂક્યું છે, અને બ્રિટન, ફ્રાન્સ તથા જાપાનની સ્થિતિ પણ સમાન છે. વધતા વ્યાજદરને કારણે ઉપજમાં વધારો થયો છે અને રોકાણકારો અસહજતા અનુભવી રહ્યા છે.

આ દેવાની અસર રાજકીય સ્તરે પણ દેખાઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને મિડ-ટર્મ ચૂંટણીમાં આકરા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરને મોંઘવારી કાબૂમાં ન લાવી શકવાના કારણે ઘરેભેગા થવું પડ્યું છે. જાપાનના વડાપ્રધાને નાણાકીય શિસ્ત જાળવવામાં નિષ્ફળતાને કારણે રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને દેશમાં મોટાપાયે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

આમ, આ વિકસિત દેશો હવે દેવાના મોરચે ઉભરતા બજારો સાથે સ્પર્ધા કરતા હોય તેવું લાગી રહ્યું છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો વૈશ્વિક નાણાકીય કટોકટી ઊભી થવાનું જોખમ છે.