ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે 38 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે ટી-20 ઈન્ટરનેશનલની સાથે લિસ્ટ-A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ વિદાય લીધી છે. જૂન 2025માં તેમણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
મેક્સવેલ હવે મેલબર્ન સ્ટાર્સ તરફથી બિગ બેશ લીગમાં રમશે. ક્લબ સાથે તેમનો કરાર 2027-28 સીઝનના અંત સુધીનો છે.
તેમણે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરીમાં ઓમાન સામે રમી હતી. ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની તે છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ હતી.
મેક્સવેલે 2012માં પાકિસ્તાન સામે ટી-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 130 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 2,897 રન બનાવ્યા છે અને આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમના નામે 5 સદી છે, જેટલી ભારતના રોહિત શર્માના નામે પણ છે.
ઓસ્ટ્રેલિયા માટે તેમણે 7 ટેસ્ટ મેચ પણ રમી છે, જેમાં 339 રન બનાવ્યા છે. તેમની એકમાત્ર ટેસ્ટ સદી 2017માં ભારત સામે રાંચીમાં આવી હતી.
‘ધ ફાઈનલ વર્ડ’ પોડકાસ્ટમાં મેક્સવેલે કહ્યું કે તેમના ભવિષ્યને લઈને ટી-20 વર્લ્ડ કપ પહેલાં અને પછી ચર્ચા ચાલી રહી હતી. ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ દબાણ નહોતું અને વાપસીનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. કેટલીક સિરીઝમાં ટીમ નવા ખેલાડીઓને તક આપવા માંગતી હતી. બાંગ્લાદેશમાં એવું થયું અને નવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું.
ઈંગ્લેન્ડ સામેના વ્હાઈટ-બોલ પ્રવાસ દરમિયાન મેલબર્નમાં એક ટી-20 મેચ રમાશે. મેક્સવેલને આશા હતી કે તેમને ઘરઆંગણાના મેદાન MCG પર વિદાય મેચ રમવાની તક મળશે.
તેમણે કહ્યું, “મારી નાનકડી આશા હતી કે MCGમાં વિદાય મેચ મળી શકે, પરંતુ હું ટીમની આગળની યોજના સમજું છું. આગામી 12થી 24 મહિનામાં ટીમમાં ઘણો બદલાવ આવશે. 2028 ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવી જરૂરી છે.”
મેક્સવેલે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી ટી-20 ફોર્મેટ તેમના માટે ઘર જેવું રહ્યું છે, તેથી તેઓ આ ફોર્મેટમાં યાદગાર વિદાયની આશા રાખતા હતા.
તેમણે જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામે મેલબર્નમાં યોજાનારી ટી-20 મેચમાં રમવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે બિગ બેશ લીગની તૈયારીને પ્રાથમિકતા આપી. આ માટે તેમણે ઘૂંટણમાં ઈન્જેક્શન લેવાનું હતું. હવે તેઓ 8 અઠવાડિયા સુધી રિહેબ કરશે, જેથી બિગ બેશ લીગ માટે ફિટ થઈ શકે.