જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ચારે તરફ વાદળો ઘેરાયેલા છે. આ કારણે ગિરનારનું કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. પ્રકૃતિ અને ધાર્મિક આસ્થાના આ સંગમનો આનંદ માણવા માટે રાજ્યના વિવિધ ભાગો તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો ઉમટી પડ્યા છે.
વાદળોની વચ્ચે થી પસાર થતી રોપવેની ટ્રોલીઓ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. રોપવેની સુવિધાના કારણે બાળકો, વૃદ્ધો અને અશક્ત લોકો માટે પણ માં અંબાજી અને ગુરુ દત્તાત્રેયના દર્શન સરળ બન્યા છે. ગિરનારની સીડીઓ ચડીને શિખર પર પહોંચતા ભક્તોને વાદળોના સ્પર્શ અને ઠંડી હવાનો અનોખો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદના આયુષ સુનિલકુમાર મોદી અને મધ્યપ્રદેશના સુનીલ અગ્રવાલે પગપાળા ૧૦,૦૦૦ પગથિયાં ચડીને દત્તાત્રેય પ્રભુના દર્શન કર્યા. તેમણે સીડીઓ પરથી વહેતા પાણી અને વાદળો વચ્ચે ચાલવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો. રાપર વાગડના સુનીલભાઈ સોનીએ રોપવે મારફતે અંબાજી અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને ઋષિ પંચમીના પવિત્ર દિવસે ગિરનારના પ્રાકૃતિક માહોલને સ્વર્ગ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આકાશમાં ઘેરાયેલા વાદળોને ચીરીને જ્યારે રોપવે આપણને માતાજીના પવિત્ર સાનિધ્ય સુધી પહોંચાડે છે, ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે.