જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર હાલમાં ઝરમર વરસાદ અને ઘેરાયેલા વાદળો વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પ્રકૃતિ અને પરમેશ્વરના આ અદ્ભુત સમન્વયનો આનંદ માણવા માટે રાજ્યના ખૂણે-ખૂણેથી તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો ઉમટી પડ્યા છે.
ગિરનારની સીડીઓ ચડીને શિખર પર પહોંચતા ભક્તોને વાદળોનો સ્પર્શ અને ઠંડકભરી હવાનો અનોખો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ, વાદળોની વચ્ચેથી પસાર થતી રોપવેની ટ્રોલીઓ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. રોપવેની અદ્યતન સુવિધાના કારણે બાળકો, વૃદ્ધો અને અશક્ત લોકો માટે પણ માં અંબાજી અને ગુરુ દત્તાત્રેયના દર્શન અત્યંત સરળ અને સુગમ બની ગયા છે.
અમદાવાદના આયુષ સુનિલકુમાર મોદી અને મધ્યપ્રદેશના સુનીલ અગ્રવાલે પગપાળા 10,000 પગથિયાં ચડીને દત્તાત્રેય પ્રભુના દર્શન કરી સીડીઓ પરથી વહેતા પાણી અને વાદળો વચ્ચે ચાલવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો. રાપર વાગડના સુનીલભાઈ સોનીએ રોપવે મારફતે અંબાજી અને દત્તાત્રેય ભગવાનના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ઋષિ પંચમીના પવિત્ર દિવસે ગિરનારના પ્રાકૃતિક માહોલને સ્વર્ગ સમાન ગણાવ્યો હતો. સાથે કહ્યું કે, આકાશમાં ઘેરાયેલા વાદળોને ચીરીને જ્યારે રોપવે આપણને માતાજીના પવિત્ર સાનિધ્ય સુધી પહોંચાડે છે, ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે.