સત્ય. સાહસ. સંકલ્પ.

ગિરનાર લીલી પરિક્રમા: પાણીની અછત અને સુરક્ષા વચ્ચે તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને ન લાવવા અપીલ

ગિરનાર લીલી પરિક્રમા: પાણીની અછત અને સુરક્ષા વચ્ચે તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને ન લાવવા અપીલ

જૂનાગઢ: ગિરનાર લીલી પરિક્રમા આગામી 20 થી 24 નવેમ્બર દરમિયાન યોજાવા જઈ રહી છે. આ પરિક્રમા માટે સાધુ-સંતો અને વહીવટી પ્રશાસને રૂટનું નિરીક્ષણ કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે પરિક્રમા રદ કરવી પડી હતી. આ વર્ષે વરસાદની ઘટ અને પાણીના બોર નિષ્ફળ જવાને કારણે પરિક્રમાર્થીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ભાર મૂકી રહ્યું છે.

જંગલના પર્યાવરણને જાળવવા માટે સાધુ-સંતોએ પરિક્રમાર્થીઓને પ્લાસ્ટિક ન લાવવા અપીલ કરી છે. જંગલમાં સૂકા પાંદડાને કારણે આગ લાગવાની શક્યતા રહેલી છે, તેથી ધૂણા અને ચૂલા સળગાવતી વખતે વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

હાઈકોર્ટના હુકમ અને વન વિભાગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ પરિક્રમા દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોને સાથે ન લાવવા અનુરોધ કરાયો છે.

સાધુ-સંતોએ કલેક્ટર, એસપી અને વન વિભાગના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી છે. વહીવટી તંત્રના આયોજન અને પરિક્રમાર્થીઓના સહયોગથી તમામ ધાર્મિક વિધિઓ સુરક્ષિત રીતે સંપન્ન થશે તેવી આશા છે.