સત્ય. સાહસ. સંકલ્પ.

ગિરનાર લીલી પરિક્રમા: જંગલમાં 1,600 લાઇટ અને 25 જનરેટર, વન્યજીવોના આવાસ પર સવાલ

ગિરનાર લીલી પરિક્રમા: જંગલમાં 1,600 લાઇટ અને 25 જનરેટર, વન્યજીવોના આવાસ પર સવાલ

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પરિક્રમા માર્ગ પર વીજળીની લાઇટો અને જનરેટરની સંખ્યામાં મોટો વધારો થયો છે. વન્યજીવ નિષ્ણાતો અને પર્યાવરણ પ્રેમીઓની ચિંતા એ છે કે આ વ્યવસ્થાથી ગિરનારના જંગલની શાંતિ અને સિંહ, દીપડા જેવા પ્રાણીઓના કુદરતી આવાસ પર અસર પડી રહી છે.

ગિરનાર વન્યજીવ અભયારણ્ય સિંહોનું મહત્વનું વસવાટ સ્થળ છે. અહીં સિંહો ઉપરાંત દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ પણ રહે છે. 36 કિલોમીટર લાંબો પરિક્રમા માર્ગ આ જંગલમાંથી પસાર થાય છે.

વહીવટી તંત્રના આંકડા મુજબ, વર્ષ 2024માં પરિક્રમા રૂટ પર 600 લાઇટો અને અંદાજે 10 જનરેટર મૂકવામાં આવ્યા હતા, જેનો ખર્ચ આશરે 15 લાખ રૂપિયા હતો. 2026માં આ સંખ્યા વધીને 1,600 લાઇટો અને 25થી વધુ જનરેટર થઈ છે અને ખર્ચ 50 લાખ રૂપિયાને પાર જવાની શક્યતા છે. જંગલના અતિ સંવેદનશીલ માનવાયેલા માળવેલાની ઘોડી અને નળપાણીની ઘોડી જેવા વિસ્તારોમાં પણ તેજ પ્રકાશ ગોઠવવામાં આવ્યો છે.

વન્યજીવ નિષ્ણાતો કહે છે કે જંગલમાં કૃત્રિમ પ્રકાશ અને જનરેટરનો સતત ઘોંઘાટ પ્રાણીઓની જૈવિક ઘડિયાળ અને શિકારની કુદરતી પ્રવૃત્તિમાં ખલેલ પહોંચાડે છે. રાત્રે વિચરતા સિંહ, દીપડા અને અન્ય નિશાચર પ્રાણીઓ તેજ પ્રકાશથી ડરીને પોતાનો મૂળ વિસ્તાર છોડી શકે છે. આથી આગળ જતાં માનવ-વન્યજીવ સંઘર્ષ વધવાની શક્યતા છે એમ તેમનું માનવું છે.

એક સમયે ભક્તો હાથમાં ટોર્ચ કે ફાનસ લઈને પરિક્રમા કરતા હતા. હવે જંગલમાં મોટા પાયે લાઇટ અને જનરેટર ગોઠવાતાં પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની ભૂમિકા અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. વન્યજીવોના સંરક્ષણની જવાબદારી ધરાવતા વિભાગે જંગલની અંદર આટલી મોટી સંખ્યામાં લાઇટ અને જનરેટર મૂકવાની મંજૂરી કેવી રીતે આપી, તેવો સવાલ તેમણે કર્યો છે.

પર્યાવરણવિદોની માંગ છે કે પરિક્રમાને પિકનિક કે વ્યાપારી કાર્યક્રમમાં ફેરવવાનું બંધ કરવામાં આવે અને જંગલના કોર વિસ્તારમાં પ્રકાશ તથા અવાજનું પ્રદૂષણ તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવામાં આવે, જેથી વન્ય પ્રાણીઓ નિર્ભયપણે તેમના આવાસમાં રહી શકે. આસ્થા અને પ્રકૃતિનું સંરક્ષણ સાથે જ શક્ય છે એવું તેમનું કહેવું છે.