જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવામાં હજી ત્રણ દિવસ બાકી છે, પરંતુ ભવનાથ તળેટીમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે અને 'જય ગિરનારી'ના નાદથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.
વહેલા પહોંચેલા યાત્રિકો તળેટીમાં ખુલ્લા આકાશ નીચે અથવા વૃક્ષોની છાયામાં પોતાના જૂથ સાથે પડાવ નાખીને ભોજન પ્રસાદ બનાવી રહ્યા છે. તેઓ પરિક્રમા શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બીજી તરફ, પરિક્રમાર્થીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓએ અન્નક્ષેત્રો શરૂ કરી દીધા છે. સ્વયંસેવકો દ્વારા બહારથી આવતા યાત્રિકો માટે ગરમાગરમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે પણ શાકભાજી, લીલા મરચાં અને લસણ સમારવાની તેમજ ગાંઠિયા અને ફરસાણ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
લાખો યાત્રિકોની જરૂરિયાત પૂરી કરવા માટે તેલના ડબ્બા, અનાજ-કઠોળની ગુણીઓ, મોટા તપેલા-કડાઈ અને બળતણ માટે લાકડાનો મોટો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. પીવાના પાણીની અગવડ ન પડે તે માટે પાણીના ટેન્કરો અને લાઇટિંગની સુવિધાઓ પણ તૈનાત કરવામાં આવી છે.
સત્તાવાર પરિક્રમામાં હજી ત્રણ દિવસ બાકી હોવા છતાં ભવનાથમાં જોવા મળી રહેલી આ ભીડને જોતાં આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ છે. યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને સેવા મંડળો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.