સત્ય. સાહસ. સંકલ્પ.

ગિરનાર લીલી પરિક્રમા 20 નવેમ્બરથી: 15 લાખ શ્રદ્ધાળુઓ માટે પાણી, આરોગ્ય અને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા

ગિરનાર લીલી પરિક્રમા 20 નવેમ્બરથી: 15 લાખ શ્રદ્ધાળુઓ માટે પાણી, આરોગ્ય અને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા

જૂનાગઢ: ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આ વર્ષે 20 નવેમ્બરની રાત્રીથી શરૂ થશે. અંદાજે 8 થી 15 લાખ શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાવાની ધારણા છે. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, ઓછા વરસાદને કારણે પાણીની અછત અને જંગલમાં સૂકા પાંદડાને લીધે આગનું જોખમ છે, તેમ છતાં યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

પરિક્રમા રૂટ પર 51 સ્થળોએ 5,000 લિટર ક્ષમતાના પાણીના ટેન્ક મૂકવામાં આવ્યા છે, જ્યાંથી નળ દ્વારા પાણી ઉપલબ્ધ થશે. કુદરતી જળસ્રોત ન હોવાથી વધારાના બોર કરાવવામાં આવ્યા છે. આ વર્ષે પ્રથમ વખત માળવેલા ઘોડી સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય સેવાઓ માટે રૂટ પર 7 હેલ્થ યુનિટ્સ 24 કલાક કાર્યરત રહેશે, જ્યાં પેરામેડિક અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. બાઇક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એસડીઆરએફની બે યુનિટ સહિત 2,500થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. પોલીસ અને વન વિભાગની મળીને લગભગ 70 યુનિટ વિવિધ સ્થળોએ તહેનાત રહેશે.

વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે અભયારણ્યમાં પ્લાસ્ટિક અને ખાનગી ફોરવ્હીલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફક્ત આશ્રમવાળા, સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી સેવાઓને પાસ આપવામાં આવશે. ટુવ્હીલર પર સામાન્ય સમયે પ્રતિબંધ નથી, પરંતુ સાંજે 6 થી 11 વાગ્યા સુધીના પીક અવર્સમાં પ્રતિબંધ રહેશે. ઓટો રિક્ષા માટે પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, અને ભવનાથ દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી 24 કલાક ઓટો ઉપલબ્ધ રહેશે. વધારાની 450 એસટી મિની બસો દ્વારા પરિવહન સુવિધા આપવામાં આવશે.

વન વિભાગના જણાવ્યા મુજબ, પરિક્રમાની વ્યવસ્થા માટે જૂનાગઢ વન વિભાગના 88 અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત, રાજ્યના અન્ય 14 વિભાગોમાંથી 262 સ્ટાફને જૂનાગઢ ખાતે ફરજ પર બોલાવવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 92 ફોરેસ્ટ ગાર્ડ કાકરાપાર વિભાગમાંથી ફાળવવામાં આવ્યા છે. કુલ 350 અધિકારી-કર્મચારીઓ રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે.

વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને નિર્ધારિત સમયે જ પરિક્રમામાં પ્રવેશ લેવા, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.