સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ગિરિરાજ સિંહે વિપક્ષ પર કટાક્ષ: રાહુલને 'લલ બાબુઆ' અને મમતાને 'અર્બન નક્સલી' કહ્યાં

સુરતમાં ગિરિરાજ સિંહે વિપક્ષ પર કટાક્ષ: રાહુલને 'લલ બાબુઆ' અને મમતાને 'અર્બન નક્સલી' કહ્યાં

સુરતના સર્કિટ હાઉસ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ સાથેની બેઠક બાદ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષી નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'લલ બાબુઆ' અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 'અર્બન નક્સલી' ગણાવ્યાં હતાં.

ગિરિરાજ સિંહે કહ્યું કે મમતા બેનર્જી પહેલેથી જ અર્બન નક્સલી છે અને રાહુલ ગાંધી તેમની નકલ કરી રહ્યા છે. તેમણે વિપક્ષી નેતાઓ પર આરોપ મૂક્યો કે તેઓ દેશદ્રોહીઓ સાથે મળીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીમાં વિપક્ષી ઇકોસિસ્ટમના આંદોલનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ લોકો ભારતની પ્રગતિને અવરોધવા માંગે છે, પરંતુ લોકતંત્રની તાકાત સામે તેમના તમામ આંદોલનો નિષ્ફળ ગયા છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર કટાક્ષ કરતાં તેમણે તેમને 'છિપકલી પાર્ટી' તરીકે ઓળખાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે દિલ્હીમાં આંદોલન કરનારી આ પાર્ટી અને અન્ય નેતાઓ તે સમયે ક્યાં હતા જ્યારે પંજાબ, કર્ણાટક અને કેરળમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને આતંક ફેલાવવામાં આવ્યો હતો? તેમણે કહ્યું કે આવા અરાજકતાવાદીઓ પર લોકતંત્ર હાવી છે અને દિલ્હીમાં ફેલાવવામાં આવેલો ભ્રમ હવે ફેલ થઈ ગયો છે.

વૈશ્વિક મોંઘવારી અંગે વાત કરતાં ગિરિરાજ સિંહે નરેન્દ્ર મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આરબ દેશોમાં સંકટ અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે અમેરિકા અને ચીન જેવા દેશોમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40થી 60 ટકા જેટલો વધારો થયો હતો, પરંતુ મોદી સરકારે કુનેહપૂર્વક કામગીરી કરી ભારતમાં આ ભાવવધારાને રોકી રાખ્યો. તેમણે દાવો કર્યો કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતની ઔદ્યોગિક અને GDP વિકાસની ગતિ ક્યારેય અટકી નથી.

રાષ્ટ્રીય સુરક્ષા અંગે બોલતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મોદી સરકારે માત્ર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 જ નથી હટાવી, પરંતુ દેશભરમાંથી આતંકવાદીઓનો પણ સફાયો કર્યો છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતથી લઈને બિહાર, બંગાળ, આસામ અને તેલંગાણા સુધી બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બનતી હતી. આજે દેશમાં શાંતિ છે અને આતંકવાદને જડમૂળથી ખતમ કરવામાં આવ્યો છે.

ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત આપતાં ગિરિરાજ સિંહે જાહેરાત કરી કે વર્ષ 2027 સુધીમાં પીએમ મિત્ર પાર્ક તૈયાર થઈ જશે. તેમણે દાવો કર્યો કે સાતેય પાર્કમાં કુલ 10થી 15 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને પ્રત્યેક પાર્કમાં 10 લાખથી વધુ રોજગારી ઊભી થશે. સુરતના પ્રોસેસિંગ ઉદ્યોગોની પાણી અને કેમિકલની સમસ્યા અંગે તેમણે કહ્યું કે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ 'લેસ વોટર, લેસ કેમિકલ' મશીન તૈયાર થઈ ગયું છે, જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) માટે પ્રાથમિકતાના ધોરણે લગાવવામાં આવશે.

અંતમાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ટેક્સટાઇલમાં 80% હિસ્સો MSMEનો છે અને સરકાર તેમને ક્યારેય પાછળ નહીં છોડે. તેમણે સુરતના કાપડ ઉદ્યોગની પ્રશંસા કરતાં કહ્યું કે સુરતમાં પોલિએસ્ટરમાંથી એવા શાનદાર દોરા અને કાપડ બને છે કે તે લિનન છે કે પોલિએસ્ટર તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી કે હવે સમય આવી ગયો છે કે સુરત વિશ્વ બજારમાં એક્સપોર્ટ પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરે અને ભારતનું નામ રોશન કરે.