કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે સુરતમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું આપવાની જરૂર નથી. જો રાહુલ ગાંધી પોતાને નાજાયઝ માનતા હોય તો પહેલાં લોકસભામાંથી રાજીનામું આપે અને કર્ણાટક તથા તેલંગાણાની સરકારોનું રાજીનામું કરાવે.
ગિરિરાજ સિંહ ત્રણ દિવસીય સુરત પ્રવાસે આવ્યા છે. તેમણે ટેક્સટાઇલ ઉદ્યોગની મુલાકાત લીધી અને સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા.
ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી દેશમાં અરાજકતાનો માહોલ બનાવવા માંગે છે. 'દિલ્હી ચલો'ના કોલ અને વિપક્ષના આંદોલનો અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, હું નથી જાણતો કે કોણ કોકરોચ છે, કોણ વંદો છે અને કોણ કાચિંડો છે. દેશમાં રાહુલ ગાંધી જેવા લોકો બાંગ્લાદેશ અને નેપાળ જેવો અરાજકતાનો માહોલ બનાવવા માંગે છે. ભારતની યુવા શક્તિ અને આ વંદાઓ ફક્ત મોદીજીના વિરોધમાં છે. રાહુલ સાથે બધા લોકોના ચહેરા ખુલ્લા પડી ચૂક્યા છે.
દેશના અર્થતંત્ર અને ટેક્સટાઇલ ક્ષેત્રે મંદીના સવાલ પર ગિરિરાજ સિંહે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે, ખાડી યુદ્ધના કારણે આખી દુનિયામાં અસર પડી છે. પ્રોડક્ટના ભાવ પ્રમાણમાં વધ્યા નથી. હું તેની તપાસ કરીશ, ત્યારે આ પ્રશ્નોના જવાબ આપી શકીશ. હું એટલું જાણું છું કે દેશ આગળ વધી રહ્યો છે. દુનિયા માની રહી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ 10મા સ્થાન પરથી ચોથા-છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. નિકાસ 19 લાખથી વધીને 80 લાખથી ઉપર થઈ ગઈ છે.
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા, રજા માંગવા પર નોકરીમાંથી કાઢી મૂકવા અને 12-12 કલાકની ડ્યુટી અંગેના પ્રશ્ન પર ગિરિરાજ સિંહે કહ્યું કે, અમે કોમ્યુનિસ્ટોની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ છે. મિલ મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર મિલ માલિકને પોતાનો પરિવાર માને, આ જ સંબંધ સૌથી સારો ચાલશે. હું આગળ વાત કરીશ ત્યારે આ બધા પ્રશ્નોના જવાબ આપી શકીશ.
સુરતમાંથી મજૂરોના પલાયનની ચર્ચાઓ અને વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું કે, આ બધો વિપક્ષનો ઉભો કરેલો ખેલ છે. પલાયન શબ્દ ઘણો ખતરનાક છે. આ એક 'નેરેટિવ' છે અને કેટલાક લોકો નેરેટિવ બનાવવામાં લાગેલા રહે છે. ડબલ એન્જિન સરકારના કારણે અન્ય રાજ્યોમાં રોજગારીની તકો ઉભી થઈ છે. જ્યારથી મોદીજીની સરકાર આવી છે, બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં માહોલ બન્યો છે. જો કોઈ મજૂરને લાગતું હોય કે ગામમાં વધુ સારું કામ મળે છે, તો તેને પલાયન ન કહી શકાય.