સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથના બે ગામે પડીકા પર પ્રતિબંધ મૂક્યો, બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રેરણાદાયી પહેલ

ગીર સોમનાથના બે ગામે પડીકા પર પ્રતિબંધ મૂક્યો, બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રેરણાદાયી પહેલ

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આદ્રી અને ઉમરેઠી ગામે બાળકોના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું લીધું છે. બંને ગ્રામ પંચાયતે સર્વસંમતિથી ફેક્ટરીમાં બનતા પેકેજ્ડ ફૂડ (પડીકા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે. આ નિર્ણયથી બાળકોને તાજો અને પૌષ્ટિક આહાર મળશે તેમજ સ્થાનિક મહિલાઓને રોજગારીના નવા અવસર ઊભા થશે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગ્રામીણ બાળકો પણ ઘરના પૌષ્ટિક ભોજનને છોડીને મસાલેદાર અને તળેલા પેકેજ્ડ ફૂડ તરફ વળ્યા છે. આવા ખોરાકમાં વધુ પડતું મીઠું અને કેમિકલયુક્ત પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. અગાઉ શહેરો પૂરતા મર્યાદિત ગણાતા કેન્સર, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક જેવા રોગો હવે નાની વયના ગ્રામીણ બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

ઉમરેઠી અને આદ્રી ગ્રામ પંચાયતે સત્તાવાર લેખિત જાહેરાત કરીને આસપાસના વિસ્તારોને આ પ્રતિબંધની જાણ કરી છે. તેમાં સ્પષ્ટતા કરાઈ છે કે કયા સૂકા નાસ્તા પર પ્રતિબંધ છે અને શેના પર નથી.

પ્રતિબંધિત પડીકા: વેફર્સ, કુરકુરે, ફ્રાયમ્સ, મેગી, પાસ્તા, સાબુદાણાની તળેલી વસ્તુઓ, સાદી કચોરી, ભાખરવડી, વીલ, પોપરિંગ, ટોર્નેડો ગિપ્પી, તમામ પ્રકારના ભૂંગળા અને પ્રોસેસ્ડ પેકેટ ફૂડ.

મંજૂર થયેલા સૂકા નાસ્તા: પરંપરાગત નાસ્તા જેવા કે સેવ, ગાંઠિયા, ચણા, દાળ અને ચવાણું વેચવા માટે મંજૂરી અપાઈ છે.

આ નિર્ણય લઈને બંને ગામે એક કાંકરે બે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. ગામના લોકોએ નક્કી કર્યું છે કે ગામની જરૂરિયાતમંદ અને રસ ધરાવતી મહિલાઓ ઘરે જ સ્વચ્છ અને પૌષ્ટિક નાસ્તો તૈયાર કરશે. આ નિર્ણય માત્ર પ્રતિબંધ પૂરતો સીમિત નથી, પરંતુ સ્થાનિક આર્થિક વિકાસનું પણ ઉદાહરણ પૂરું પાડે છે.

આ નાસ્તો ગામમાં વેચવાથી બાળકોને તાજો અને આરોગ્યપ્રદ ખોરાક મળશે, જ્યારે બીજી તરફ ગ્રામીણ મહિલાઓને ઘરઆંગણે જ સ્થાનિક રોજગારી મળી રહેશે. આ અંગે એક સ્થાનિક અગ્રણી નંદુબેન ભમ્મરે કહ્યું હતું કે, ‘બાળકોના કૂમળા વિકાસને બચાવવો એ આપણી પ્રાથમિકતા છે. બિનઆરોગ્યપ્રદ પડીકા ગામનું ભવિષ્ય બગાડી રહ્યા હતા. પંચાયત અને ગ્રામજનોએ સાથે મળીને આ આવકારદાયક નિર્ણય લીધો છે, જેથી બાળકો ચોખ્ખો આહાર લે અને ગામનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.’