સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ઉના અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતો ખુશ

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ઉના અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતો ખુશ

ગીર સોમનાથ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ પડ્યો છે. તાલાલા તાલુકાના ધાવા ગીર, બોરવાવ, સેમળીયા, પિખોર, ગુંદાળા, રાયડી અને જમાલપરા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે.

ઉના શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સોસાયટીઓ, ગલીઓ અને બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્રિકોણબાગ, ઉના શાકમાર્કેટ, આનંદ બજાર અને લુહાર ચોકમાં પાણી ભરાતા સ્થાનિક લોકો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે.

બીજી તરફ, ગીર ગઢડાના ધોકડવા, સનોસરા, નવા ઉગલા, નાગડીયા અને મોટા સમઢીયાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. એક દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.