ગીર સોમનાથ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે દિવાળી પહેલાં સારા સમાચાર આવ્યા છે. કોડીનારની IPL સુગર મિલમાં 14 નવેમ્બરથી શેરડીના પીલાણનો પ્રારંભ થશે.
આ વર્ષે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3,300 ભાવ ચૂકવવામાં આવશે, જે ગયા વર્ષની તુલનામાં રૂ. 300નો વધારો છે. ગયા વર્ષે મિલ માત્ર 45 દિવસ ચાલી હતી, જ્યારે આ વર્ષે તે 100થી 120 દિવસ સુધી કાર્યરત રહેવાની શક્યતા છે.
મિલમાં રોજની 2,700 મેટ્રિક ટન શેરડી પીલાણની ક્ષમતા છે. સુગર મિલના યુનિટ હેડના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 11,000થી વધુ ખેડૂતોએ શેરડી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમની શેરડી પણ કંપની ખરીદશે અને ખરીદીના 14 દિવસમાં ખેડૂતોના બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવશે.
અપૂરતા વરસાદને કારણે પિયતની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાની અપીલ કરવામાં આવી છે. IPL કંપની તરફથી ટપક સિંચાઈ માટે ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવશે.