સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથના રાખેજમાં PGVCLના વાયરમાં સ્પાર્કથી 6 વીઘા શેરડીનો પાક બળીને ખાખ, ખેડૂતને 4 લાખનું નુકસાન

ગીર સોમનાથના રાખેજમાં PGVCLના વાયરમાં સ્પાર્કથી 6 વીઘા શેરડીનો પાક બળીને ખાખ, ખેડૂતને 4 લાખનું નુકસાન

ગીર સોમનાથ જિલ્લાના રાખેજ ગામે ગુરુવારે એક ખેતરમાં આગ લાગી હતી. PGVCLના વાયરમાં સ્પાર્ક થતાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. આગ 6 વીઘા વિસ્તારમાં ફેલાતાં શેરડીનો આખો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

ખેડૂતે જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે પાક બચાવવાનો કોઈ મોકો મળ્યો નહીં. તેમણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલો પાક મિનિટોમાં બળીને રાખ થઈ ગયો. આગ લાગી તે સમયે પાક કાપણી માટે તૈયાર હતો અને ઉત્પાદન લેવાનો સમય હતો.

ખેડૂતનો અંદાજ છે કે આગમાં તેમને 4 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે ખેતી એ જ તેમની એકમાત્ર આજીવિકા છે અને તેઓ આ પાક પર જ નિર્ભર હતા. તેથી તેમણે PGVCL અને વીમા કંપનીને વળતર આપવા વિનંતી કરી છે. સાથે જ સરકાર પાસે પણ સહાય માટે અરજી કરી છે.

આ ઘટનાએ ખેતરોમાંથી પસાર થતા વીજ વાયરોની સલામતીને લઈને ચિંતા વધારી છે. ખેડૂતોનું કહેવું છે કે વાયરોમાં સ્પાર્ક થવાની ઘટનાઓથી પાકને મોટું નુકસાન થાય છે. PGVCL તરફથી આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી. નુકસાનની ચકાસણી બાદ જ વળતર અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.