ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે સિંહણે એક 30 વર્ષીય યુવકને ઘરની બહાર સૂતી વખતે ઘસડી જઈને મારી નાખ્યો છે. મૃતકનું નામ મહેશ પ્રતાપ રાઠોડ છે. ઘટના ગત રાત્રિની છે.
ગામના લોકોના જણાવ્યા અનુસાર મહેશ તેના ઘરની બહાર ટેબલ પર સૂતો હતો. તે સમયે સિંહણ ત્યાં આવી પહોંચી અને તેને ઘસડીને લઈ ગઈ. ઘટનાની જાણ થતાં ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
શોધખોળ બાદ મહેશનો મૃતદેહ ઘરથી લગભગ બે કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મહેશ પોરબંદરમાં મજૂરી કામ કરતો હતો. બે મહિના પહેલાં તે જામવાળા ગયો હતો, જ્યાં તેના દાદાનું અવસાન થયું હતું. ત્યાંથી પરત ફરીને તે વલાદર ગામે પોતાના ઘરે આવ્યો હતો. ઘટનાની રાત્રિએ તે ઘરે એકલો હતો. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો ગામમાં અલગ રહેતા હતા.
મૃતકના ભાઈ મુકેશ રાઠોડે જણાવ્યું કે, "અમે સવારે જામવાળા ગયા હતા, તેથી અમને કંઈ ખબર ન પડી. રાત્રે અમે પાછા આવ્યા ત્યારે ભાઈ ઘરે મળ્યો નહીં. અમે કુટુંબીજનોને ફોન કરીને જાણ કરી, પણ તેનો પત્તો ન લાગ્યો. બાદમાં અમે બે-ત્રણ લોકો તેને શોધવા ગયા, ત્યારે આ ઘટનાની જાણ થઈ. અમે ગામલોકો અને વનવિભાગને જાણ કરી." મુકેશે વધુમાં કહ્યું કે સિંહણ જોવા મળી હતી, પણ હજુ તે પકડાઈ નથી.
મહેશને પાંચ સંતાન છે. વનવિભાગ દ્વારા પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ પરિવારજનોએ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. તેમનું કહેવું છે કે આટલી સહાયમાં પાંચ સંતાનોનું ભરણપોષણ થઈ શકે નહીં. તેથી તેમણે વધુ સહાયની માગ કરી છે.
વલાદર ગ્રામ પંચાયતના સરપંચ જીતુ સોલંકીએ જણાવ્યું કે, "ગામમાં પાંજરા મુકાવ્યા છે, પણ હજી સિંહણ પાંજરામાં આવી નથી. પરિવારે મને કહ્યું છે કે અમને પૂરતું વળતર મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં."
વલાદર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હનીફ મકરાણીએ જણાવ્યું કે, "અમારું ગામ ગીર કાંઠાનું છે અને 90 ટકા વિસ્તાર બાગાયતનો છે. જંગલ કરતાં બાગાયતમાં વધારે સિંહ રહે છે. અમે વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ. મારી નમ્ર વિનંતી છે કે મંત્રી અર્જુન મોઢવાડિયા જનતાની સમસ્યા જોઈને સરકારમાં રજૂઆત કરે. જેના ઘરના મોભીને સિંહ ખાઈ જાય અને તેના બાળકો હેરાન થાય, તેને જીવન જીવવા માટે 40 લાખ રૂપિયા જેવું વળતર મળવું જોઈએ."
જામવાળા ACF પ્રભાકર કુમારે જણાવ્યું કે, "લોકોની કેટલીક માંગણીઓ છે, જે અમે સાંભળી રહ્યા છીએ. અહીં વીજળીની સમસ્યા છે, તેથી અમે PGVCL સાથે મીટિંગ કરીને સુધારો કરીશું. અન્ય માંગણીઓ પર પણ અમે શક્ય તેટલો પ્રયાસ કરીશું. અત્યારે અમે ચાર પાંજરા મૂક્યા છે અને જરૂર પડશે તો વધુ પાંજરા મૂકીશું. અમારો સ્ટાફ 24 કલાક કાર્યરત છે. અલગ-અલગ ટીમો બનાવીને રોટેશનમાં કામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પણ આવી સમસ્યા કે ફરિયાદ આવે છે, ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીએ છીએ."
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામ આસપાસ સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કરીને લોહીલુહાણ કર્યા હતા. બાઇક પર જઈ રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કર્યો હતો. છેવટે સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરી હતી. આ ઘટનામાં વનવિભાગે રાત્રે એક વાગ્યાની આસપાસ ઓપરેશન શરૂ કર્યું હતું અને બીજા દિવસે બપોરે એક વાગ્યાની આસપાસ સિંહણને પાંજરે પૂરી હતી.