સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, તાલાલા-ઉનામાં ખેડૂતો ખુશ

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, તાલાલા-ઉનામાં ખેડૂતો ખુશ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. તાલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ અને ગલીઓમાં વરસાદી પાણી વહેતાં થયાં છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ ઉના અને વેરાવળ-સાસણ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી વહેતાં થયાં છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. તાલાલા પંથકમાં 20 લાખથી વધુ ફળદ્રુપ વૃક્ષો અને ચોમાસુ પાક આવેલા છે. હાલ વરસી રહેલો વરસાદ મગફળી, સોયાબીન અને કપાસના પાક માટે આશીર્વાદરૂપ બની શકે છે. સારા વરસાદથી પાકને પૂરતું પાણી મળતાં ખેડૂતોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાલાલા પંથક કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે. વરસાદ ઓછો પડે તો આંબાવાડીઓને પિયતની મુશ્કેલી સર્જાવાની ભીતિ ખેડૂતોમાં હતી. જોકે હવે સારા વરસાદની શરૂઆત થતાં આંબાવાડીઓ સહિત ખેતીને પણ મોટો ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે વેરાવળ-સાસણ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. આસપાસના ખેતરોમાંથી પાણી હાઈવે પર આવી જતાં કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયાં છે. હાઈવે પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ઉના શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. માત્ર દોઢ ઈંચ જેટલા વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતાં સ્થાનિકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં ફરી શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાલાલા પંથકમાં વરસાદથી ચોમાસુ પાક અને આંબાવાડીઓને ફાયદો થવાની આશા છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક તંત્ર માટે પણ પડકાર ઊભો થયો છે.