સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજ્યમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પૈકી સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે પાક માટે પૂરતું પાણી નથી અને ઢોરને પીવડાવવા માટે પણ પાણીની તંગી છે. આવી સ્થિતિમાં કેટલાક ખેડૂતો પોતાના બળદને આશ્રમમાં મુકવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે.

રાજ્ય સરકારે ઓછા વરસાદને પગલે જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ જિલ્લાઓના ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 8,500ની સહાય જાહેર કરવામાં આવી છે.

આ વચ્ચે ગીર સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે અપૂરતા વરસાદથી ખેડૂતો અને પશુપાલકો અત્યંત કફોડી સ્થિતિમાં છે. ખેતી નિષ્ફળ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. બાગાયતી પાકોને પણ પાણીની અછતને કારણે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો પાસે બિયારણના રૂપિયા પણ નીકળે તેવી સ્થિતિ નથી.

ચુડાસમાએ ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની, પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવાની, કૃષિ લોનનું વ્યાજ માફ કરી હપ્તા મુલતવી રાખવાની તેમજ તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી છે.