ગીર સોમનાથ જિલ્લામાં ડોળાસાથી ઝાંઝરિયા જતા રસ્તાને પાકો બનાવવાની માંગને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ગામલોકોએ હાથમાં બેનરો લઈને રસ્તા પર ઉતરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ આ રસ્તો પાકો કરવા રજૂઆત કરી રહ્યા છે, પણ હજુ સુધી કામ શરૂ થયું નથી. આ રસ્તાના અભાવે આશરે 8થી 10 ગામના લોકોને રોજ હાલાકીનો સામનો કરવો પડે છે.
ગામલોકોએ જણાવ્યું કે તેઓએ કલેક્ટર, ધારાસભ્ય અને મંત્રીઓને પણ રજૂઆત કરી છે. મંત્રી પ્રદ્યુમન વાઝાને પણ આ અંગે માંગ રજૂ કરવામાં આવી છે. જોકે, ગ્રામજનોના જણાવ્યા મુજબ મંત્રીઓ માત્ર આશ્વાસન આપે છે, પરંતુ રસ્તાનું નિર્માણ શરૂ થતું નથી.
બે તાલુકાને જોડતો આ માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. અહીંથી પસાર થતી વખતે અકસ્માતનો ભય પણ રહે છે, એવી ચિંતા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.
ખેડૂતો અને ગામલોકોએ માંગ કરી છે કે વહેલી તકે રસ્તાનું નિર્માણ શરૂ કરવામાં આવે. જો આગામી સમયમાં કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.