સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, ચાર મિત્રોનો આબાદ બચાવ

ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, ચાર મિત્રોનો આબાદ બચાવ

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન નળીયા માડવી નજીક એક ખાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. કોડીનારથી દીવ જઈ રહેલા ચાર મિત્રોની કાર આ ખાડીમાં ફસાઈ ગઈ હતી.

પાણીનો પ્રવાહ ભારે હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કારને ખાડીમાંથી બહાર કાઢી હતી. સદનસીબે ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો.

બીજી બાજુ, ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં વલસાડની એક ફિશિંગ બોટ ડૂબી હોવાની ઘટના સામે આવી છે. ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી હતી. ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો હતો. તમામ માછીમારોને અન્ય બોટમાં સલામત રીતે લાવવામાં આવ્યા હતા. ઘટનાને લઈ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે તપાસ હાથ ધરી છે.