સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 3 ઓક્ટોબરથી, 13 દિવસ વહેલું સફારી શરૂ

ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 3 ઓક્ટોબરથી, 13 દિવસ વહેલું સફારી શરૂ

ગીરના સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાત સરકારના વન વિભાગે આ વર્ષે ગીર જંગલ સફારી 3 ઓક્ટોબરથી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સામાન્ય રીતે સિંહ દર્શન શરૂ થવાની તારીખ કરતાં આ વખતે 13 દિવસ વહેલું સફારી શરૂ થશે. નવરાત્રી પહેલાં જ પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શનનો લાભ લઈ શકશે.

દર વર્ષે ચોમાસા દરમિયાન વન્યજીવોના પ્રજનન અને જંગલના સંરક્ષણ માટે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. જોકે આ વખતે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નિયમો અને ધોરણોનું કડક પાલન કરીને જ સફારી વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં એશિયાટિક સિંહોનું જતન અને સંવર્ધન સમગ્ર વિશ્વ માટે ઉત્કૃષ્ટ નમૂનો છે.

આ નિર્ણયને કારણે તહેવારો અને નવરાત્રી દરમિયાન ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ તથા વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ, હોટેલ વ્યવસાય અને ગાઈડોને પણ આનો લાભ મળશે. વન્યજીવ સંરક્ષણ સાથે આર્થિક પ્રવૃત્તિઓને પણ બળ મળશે.