સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સફારીમાં 100 નવી જીપ્સી ઉમેરવાનો નિર્ણય, સ્થાનિકોમાં રોષ

ગીર સફારીમાં 100 નવી જીપ્સી ઉમેરવાનો નિર્ણય, સ્થાનિકોમાં રોષ

ગીર જંગલ સફારીમાં વધુ 100 જીપ્સીઓ ઉમેરવાના વન વિભાગના નિર્ણયથી સ્થાનિક જીપ્સી સંચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સાસણ ખાતે અત્યાર સુધી 182 જીપ્સીઓ કાર્યરત હતી, ત્યારે હવે આસપાસના 21 ગામોમાં નવી જીપ્સીઓને મંજૂરી અપાશે. સ્થાનિકોનું કહેવું છે કે આડેધડ નિર્ણયોથી ગીરની ઇકો-સિસ્ટમ અને સિંહોની પ્રજનન ક્ષમતા પર ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ તહેવારોમાં સફારી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સાસણ ખાતે હાલની વ્યવસ્થા મુજબ જંગલ સફારી માટે સામાન્ય દિવસોમાં સવાર, બપોર અને સાંજના સત્ર મળીને કુલ 150 (દર સત્રએ 50) તેમજ વીક-એન્ડ અને તહેવારોમાં કુલ 180 (દર સત્રએ 60) ઓનલાઈન પરમિટો આપવામાં આવે છે. આ પરમિટો પર અત્યાર સુધી માત્ર સાસણ ગામના સ્થાનિકોની 182 જીપ્સીઓ જ સંચાલન કરતી આવી છે. સરકાર દ્વારા હવે જે નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી રહી છે તેમાં સાસણને બાદ કરી, સાસણની આસપાસના 10 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયાના કુલ 21 ગામોમાં 'ડ્રો' પદ્ધતિ દ્વારા નવા વાહનોને મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. આ 21 ગામોની કુલ 30 હજારની વસ્તી સામે દર 300 લોકોની વસ્તી પર એક જીપ્સી ફાળવવાનું આયોજન કરાયું છે, જેનાથી સફારી પરમિટોમાં મોટો વધારો થશે.

વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે ગીરના સંવેદનશીલ જંગલમાં માનવીય દખલ અને વાહનોનો અતિશય વધારો સિંહોની પ્રજનન ક્ષમતા, વર્તણૂક અને વન્યજીવોના કોરિડોરને નુકસાન પહોંચાડે છે. અગાઉ ગિરનાર જંગલ સફારી અને પોરબંદરના બરડા જંગલમાં સફારી શરૂ કરવામાં આવી અને હવે સાસણમાં જીપ્સીઓની સંખ્યામાં આડેધડ વધારો કરવાના નિર્ણયો જંગલની ખરા અર્થમાં ધોર ખોદવા સમાન છે. પ્રવાસનના નામે વન વિભાગ દ્વારા વાણિજ્યિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવી રહ્યો છે જે સિંહ જેવા લુપ્તપ્રાય વન્યજીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

દુષ્કાળની પરિસ્થિતિમાં માનવ અને વન્યજીવ વચ્ચે ઘર્ષણના મોટા બનાવોની શક્યતાઓ છે. હાલમાં થોડા સમયથી માનવ અને સિંહ-દીપડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે, જેમાં માનવને જીવ ગુમાવવાનો અને પ્રાણીને જેલ ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ વન્યજીવો માટે પાણીનું સુચારૂ આયોજન કરવું જરૂરી છે. ઘર્ષણ ટાળવા અને પાણીની સમસ્યા નિવારવાને બદલે સરકારે આવા ગતકડા કરી વિવાદો ઊભા કરવાને બદલે ખરા અર્થમાં માનવ અને વન્યજીવ માટે કામ કરવું જરૂરી બની ગયું છે.

સ્થાનિક જીપ્સી સંચાલકો દ્વારા તહેવારોમાં સફારી બહિષ્કારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ નવી નીતિ પાછી ખેંચવામાં નહીં આવે અને જીપ્સી વધારવાનો નિર્ણય નહીં અટકાવવામાં આવે તો આગામી તહેવારોની સિઝનમાં સાસણના સ્થાનિક જીપ્સી સંચાલકો દ્વારા સફારીનો સંપૂર્ણ બહિષ્કાર કરી જીપ્સીઓ સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. જો આ સ્થિતિ સર્જાશે તો દેશ-વિદેશથી સાસણ આવતા પ્રવાસીઓને હાલાકી થશે અને પ્રવાસન ક્ષેત્રે અરાજકતા ફેલાશે.