દિવાળીની રજાઓમાં ગીરમાં આવતા પ્રવાસીઓની સંખ્યા વધતાં ગીર પશ્ચિમ વનવિભાગે સતર્કતા વધારી છે. વન્યપ્રાણીઓને હેરાન કરવા અને ગેરકાયદે લાયન શો જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિભાગે 15 નવેમ્બર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ સમયગાળા દરમિયાન વનવિભાગનો સ્ટાફ 24 કલાક પેટ્રોલિંગ કરશે. જામવાળા, તાલાલા અને વિસાવદર સબ ડિવિઝનમાં વનવિભાગની ટીમોએ ફ્લેગ માર્ચ કર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખી રહી છે.
વનવિભાગે પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ ફક્ત નિયત સ્થળો — ગીર સફારી, દેવળીયા સફારી, બરડા, આંબરડી અને ગિરનાર સફારી — ની જ મુલાકાત લે. સિંહ દર્શનના નામે લાલચ આપતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કરતા તત્વોથી દૂર રહેવાની સૂચના પણ આપી છે. કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક વનવિભાગ કચેરીને જાણ કરવાની અપીલ કરાઈ છે.