જૂનાગઢના ગીર અભયારણ્યમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહણ હરણના બચ્ચાનો શિકાર કરવાને બદલે તેને પોતાના મોંમાં ઊંચકીને જંગલની અંદર સુરક્ષિત જગ્યાએ મૂકી આવતી જોવા મળે છે. આ વીડિયો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલે પોતાના કેમેરામાં કેદ કર્યો છે.
સામાન્ય રીતે સિંહ હરણને જોતાં જ તેનો શિકાર કરી લેતો હોય છે. જો કે, આ કિસ્સામાં સિંહણે હરણના માસૂમ બચ્ચાનો શિકાર કરવાને બદલે તેને પોતાના મોંમાં ઊંચકીને જંગલમાં સુરક્ષિત જગ્યાએ દૂર મૂકી આવી હતી. આટલું જ નહીં, જ્યારે બીજો સિંહ તે બચ્ચાની નજીક આવ્યો ત્યારે સિંહણે ઘૂરકીને તેને પણ ત્યાંથી ભગાડી દીધો હતો.
ફોટોગ્રાફર મિહિર પટેલે આ અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, માતૃત્વની લાગણીથી ભરેલા આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે અને તેને જીવનમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ ઘટના ગીરના જંગલમાં વન્યજીવનની સંવેદનશીલતા અને સિંહોના સ્વભાવની એક અલગ તસવીર રજૂ કરે છે.