સત્ય. સાહસ. સંકલ્પ.

ગીરમાં સિંહ સુરક્ષા પર સવાલ: વનકર્મીઓની હડતાલથી દિવાળી પહેલાં રેડ એલર્ટ અટક્યું

ગીરમાં સિંહ સુરક્ષા પર સવાલ: વનકર્મીઓની હડતાલથી દિવાળી પહેલાં રેડ એલર્ટ અટક્યું

ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દિવાળી દરમિયાન સિંહોની પજવણી રોકવા માટે વન વિભાગ દર વર્ષે જાહેર કરતું 'રેડ એલર્ટ' આ વખતે જોખમમાં છે. બીટગાર્ડ અને ફોરેસ્ટર હડતાળ પર હોવાથી જમીની સ્તરે પેટ્રોલિંગ બંધ છે. પરિણામે, ગેરકાયદેસર સિંહ દર્શન અને પજવણીની ઘટનાઓ વધી શકે છે, જે સિંહોના રક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાને સ્પર્શતી ગીરની સરહદ પર લોકોનો મોટો જમાવડો થાય છે. ધંધા-રોજગાર માટે બહાર રહેતા સ્થાનિકો વતન પરત ફરે છે અને તહેવારોની રજાઓ માણવા દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ ગીરના સીમાડામાં આવે છે. આ સમયે ગીરની સરહદ નજીક સિંહોની પજવણી અને સિંહ દર્શન કરવાની ઘટનાઓ વધવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ સ્થિતિ રોકવા માટે દર વર્ષે વન વિભાગ દ્વારા દિવાળીના 8થી 10 દિવસ માટે ગીર સરહદ પર 'રેડ એલર્ટ' જાહેર કરી 24 કલાક સઘન પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવે છે. આ વખતે શું થશે તે નક્કી નથી.

દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસો દૂર છે, ત્યારે સ્થિતિ ગંભીર બની છે. ગીર જંગલ અને સિંહોની સુરક્ષાની મુખ્ય જવાબદારી સંભાળતા બીટગાર્ડ અને ફોરેસ્ટર પોતાની પડતર માંગણીઓ માટે ગાંધીનગર ખાતે આંદોલન પર છે. જમીની સ્તરનું તંત્ર ગાંધીનગરમાં ધરણાં પર બેઠું છે, જેના કારણે એશિયાટીક સિંહોનું અંતિમ ઠેકાણું ગણાતું ગીરનું જંગલ અત્યારે સુરક્ષાવિહીન જેવું લાગે છે. દર વર્ષે સરહદ વિસ્તારના ગામડાઓમાં ફ્લેગ માર્ચ અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ કરનારા મુખ્ય ગાર્ડ અને ફોરેસ્ટર જ ગેરહાજર છે, તો શું આ વખતે રેડ એલર્ટ જાહેર થશે કે નહીં, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

તહેવારો દરમિયાન અસામાજિક તત્વો અને છુપા સિંહપ્રેમીઓના નામે ફરતા શોખીનો માટે વનકર્મીઓની ગેરહાજરી મોકળું મેદાન પૂરું પાડશે. સિંહોની પજવણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકશે કોણ? વન વિભાગના પાયાના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વાજબી માંગણીઓ માટે લડી રહ્યા છે. દિવાળી જેવા સંવેદનશીલ સમયે જંગલની સુરક્ષા જોખમમાં મુકાય ત્યાં સુધી સરકારે વાટાઘાટો કેમ ન કરી? તે પ્રશ્ન થાય છે.

ગીરના સિંહપ્રેમીઓ, વન્યજીવ નિષ્ણાતો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિંહપ્રેમીઓનું સ્પષ્ટ માનવું છે કે વનકર્મીઓ અને સરકાર વચ્ચે ચાલેલા વિવાદનો સમયસર અને સકારાત્મક ઉકેલ નહીં આવે તો દિવાળીના તહેવારોમાં ગીરની સરહદ પર ભયંકર અને અરાજક સ્થિતિ સર્જાશે. જે સિંહો ગુજરાતનું ગૌરવ છે, તેમના રક્ષણ માટે રાત-દિવસ એક કરતા વનકર્મીઓની માંગણીઓ સંતોષીને તુરંત જંગલની સુરક્ષા પુનઃસ્થાપિત કરવી જોઈએ, તે ગીર, પ્રકૃતિ અને સિંહોના હિતમાં જરૂરી છે. જો સરકારી ઉદાસીનતાને કારણે ગીરના સિંહ સાથે કોઈ અણબનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવી સિંહપ્રેમીઓની માંગ છે.