સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર-ગિરનારમાં જળસંકટ: વહેલા શરૂ કરાયું વન્યજીવો માટે પાણીનું આયોજન, 650 કૃત્રિમ પોઈન્ટ ભરાયા

ગીર-ગિરનારમાં જળસંકટ: વહેલા શરૂ કરાયું વન્યજીવો માટે પાણીનું આયોજન, 650 કૃત્રિમ પોઈન્ટ ભરાયા

ગીર અને ગિરનારના જંગલોમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ સર્જાયું છે. જંગલના કુદરતી જળસ્રોત, નદીઓ, નાળા અને ચેકડેમ સમય પહેલાં સૂકાઈ જતાં વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા શરૂ કરી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં શરૂ થતી કૃત્રિમ પાણીના પોઈન્ટ ભરવાની કામગીરી આ વખતે ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી જ શરૂ કરવી પડી છે.

વન્યજીવોને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવું ન પડે તે માટે વન વિભાગે ગીર અને ગિરનારમાં આવેલા 650થી વધુ કૃત્રિમ પોઈન્ટમાંથી મોટાભાગના પોઈન્ટમાં પાણી ભરવાનું શરૂ કર્યું છે. દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે સોલાર આધારિત ઓટોમેટિક પંપ, પવનચક્કી અને ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સોલાર પંપ સૂર્યપ્રકાશની મદદથી પાણીનો પુરવઠો પૂરો પાડે છે, જ્યારે પવનચક્કી પવનની ઊર્જાથી પાણી ખેંચે છે. જ્યાં આ વ્યવસ્થાઓ પહોંચતી નથી ત્યાં ટ્રેક્ટર અને શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે.

જળસંકટને ધ્યાનમાં રાખીને વન વિભાગે જૂના પાણીના પોઈન્ટને ફરી કાર્યરત કરવા અને નવા પોઈન્ટ બનાવવા માટે સર્વે શરૂ કર્યો છે. ગીરના જંગલમાં અગાઉ બનાવવામાં આવેલા 150થી વધુ પોઈન્ટને પુનઃજીવિત કરવાની તૈયારી ચાલી રહી છે. વન્યજીવોની અવરજવર અને તળાવોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે નવા પોઈન્ટ ક્યાં બનાવવા તે નક્કી કરવામાં આવશે. બીજી તરફ, ગિરનારના પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં પણ પાણીની અછતની શક્યતાને પગલે આશરે 20 નવા પાણીના પોઈન્ટ તાત્કાલિક તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શિયાળા અને ઉનાળામાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે આયોજન કરાયું છે. રાજાશાહીના સમયથી અત્યાર સુધી ગીરના જંગલમાં આટલી ગંભીર જળઅછત ભાગ્યે જ જોવા મળી હોવાનું જણાવાયું છે. એશિયાટિક સિંહ, દીપડા, ચિત્તલ, સાબર, ચોસિંગા સહિતના વન્યજીવો અને પક્ષીઓને આગામી શિયાળા તથા ઉનાળા દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગ સતર્ક બન્યું છે. અત્યાર સુધી સામાન્ય સ્થિતિમાં ગીરમાં આશરે 600 અને ગિરનારમાં 50થી 60 કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત રાખવામાં આવતા હતા. જોકે, આ વખતે વરસાદની અછતને કારણે પાણીની વ્યવસ્થામાં ફેરફાર કરીને વધુ પોઈન્ટ કાર્યરત કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.