ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જ હેઠળ આવતા ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વાડીમાં પરિવાર સાથે ધાબા પર સૂતેલા 3 વર્ષના બાળકને દીપડો મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભય અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. સઘન શોધખોળ બાદ નજીકના જુવારના ખેતરમાંથી બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સણોસરીના ખંભાળા વિસ્તારમાં આવેલી બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં મૂળ ગિરીશભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા દોઢ-બે મહિનાથી ખેતમજૂરી અર્થે રોકાયો હતો. રાત્રિના આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં ભોજન પતાવીને પરિવારજનો અંદાજે 12 ફૂટ ઊંચા ધાબા પર સૂવા માટે ગયા હતા.
માતા-પિતાની વચ્ચે તેમનો 3 વર્ષનો પુત્ર ચેતન સૂતો હતો. એ જ સમયે અચાનક ધાબા પર આવી પહોંચેલા દીપડાએ ચતુરાઈથી માતા-પિતાની વચ્ચેથી જ બાળકને મોઢામાં દબોચી લીધો હતો. પિતાએ પુત્રને બચાવવા માટે પ્રતિકાર કર્યો હતો, પરંતુ દીપડો બાળકને લઈને સીડીઓ વાટે નીચે ઉતરી શાકભાજી અને જુવારના વાવેતર તરફ ભાગી છૂટ્યો હતો.
બનાવની જાણ થતાં જ વાડી માલિક કાંતિભાઈ લાડુમોર, ગ્રામજનો અને જસાધાર રેન્જના RFO કે.સી. ચોહાણ સહિત વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર વિસ્તારમાં રાત્રિના સમયે જ મોટા પાયે સઘન સ્કેનિંગ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન નજીકના જુવારના ખેતરમાંથી બાળક ચેતનનો ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકનો ક્ષત-વિક્ષત દેહ જોઈને માતા-પિતા અને ગ્રામજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. શ્રમિક પરિવાર ગોધરાનો હતો. પુત્રનો મૃતદેહ પી.એમ બાદ પરિવારજનોને સોંપતાં તેઓ વતન ગોધરા જવા રવાના થયા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે તાત્કાલિક સ્થાનિક લોકોના સહયોગથી દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા હતા. ઘટનાના આશરે એકાદ કલાકમાં જ મોડી રાત્રે હુમલો કરનાર દીપડો પાંજરે પૂરાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ પણ સ્થળ પર વન વિભાગ દ્વારા પાંજરા રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, હાલ લણણીની મોસમ ચાલી રહી હોવાથી વન વિભાગે ખેડૂતો અને ખેતમજૂરોને ખાસ અપીલ કરી છે કે, વાડી કે સીમ વિસ્તારમાં નાના બાળકોને એકલા ન છોડવા તથા વન્યપ્રાણીઓની અવરજવર જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.