સત્ય. સાહસ. સંકલ્પ.

ગીરના જંગલમાં પાણીની અછત: વન્યપ્રાણીઓ માટે જીવનનું જોખમ, નદી-નાળા સૂકાયા

ગીરના જંગલમાં પાણીની અછત: વન્યપ્રાણીઓ માટે જીવનનું જોખમ, નદી-નાળા સૂકાયા

ગીરના જંગલમાં આ વર્ષે ચોમાસું પૂરું થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. 'અલનીનો'ની અસરને કારણે આ વખતે જંગલ વિસ્તારમાં નહીંવત્ વરસાદ પડ્યો છે. પરિણામે જંગલના મોટાભાગના કુદરતી જળસ્રોતો સૂકાઈ ગયા છે. નદી અને નાળાઓમાં પાણી વહેતું નથી, ફક્ત ધૂળ અને પથ્થર જોવા મળે છે.

વન્યજીવો સામે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. જંગલમાં હાલ માત્ર થોડા ખાબોચિયાંમાં જ પાણી બચ્યું છે. આ ખાબોચિયાંનું પાણી પીવાથી વન્યપ્રાણીઓમાં ચેપી રોગ ફેલાવાની શક્યતા છે. આગામી એક-બે મહિનામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે.

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળી આસપાસ જ કૃત્રિમ પોઈન્ટ ભરવાની નોબત આવી પડી છે. વનવિભાગને યુદ્ધના ધોરણે કામ કરવું પડે તેવી સ્થિતિ છે. જંગલના અંદરના ભાગમાં આવેલા કૃત્રિમ અવાડાઓને સોલાર બોરવેલ અને ટેન્કરો દ્વારા સતત ભરેલા રાખવા પડે છે. પાણી વગર નબળા બનેલા વન્યજીવો માટે તાત્કાલિક તબીબી સારવાર મળે તે માટે ખાસ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવાની જરૂર પડી છે.

જળસ્રોતો સૂકાઈ જવાને કારણે સિંહ, ચિત્તલ, સાબર અને દીપડા જેવા વન્યપ્રાણીઓ પાણીની શોધમાં જંગલની બહાર રેવન્યુ વિસ્તાર કે માનવ વસાહતો તરફ જઈ શકે છે. પાણી માટે ગામડાં તરફ આવતા પ્રાણીઓને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ વધવાની અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થવાની ભીતિ છે.