દિવાળીના વેકેશન દરમિયાન જૂનાગઢના સાસણ ગીર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દેશભરમાંથી લોકો જંગલના રાજા એટલે કે સિંહના દર્શન માટે ઉમટી રહ્યા છે. ગીર અભ્યારણ્યમાં ખુલ્લામાં વિહરતા સિંહો અને અન્ય વન્યજીવોને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ રહ્યા છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, 23 નવેમ્બર સુધીની સફારી બુકિંગ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. તેમ છતાં પ્રવાસીઓનો ધસારો યથાવત્ છે. પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક ગાઈડ, ડ્રાઈવર અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ચાર મહિના સફારી બંધ રાખવામાં આવે છે, કારણ કે તે સમય સિંહોના સંવનનનો હોય છે. આ સમયે સિંહોને ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવે છે. હાલ દિવાળીનું વેકેશન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીર તથા દેવળિયા સફારી પાર્કની મુલાકાત લઈ રહ્યા છે.
વિદેશથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે તેમને સિંહ અને તેના પરિવારને ખૂબ નજીકથી જોવાનો અવસર મળ્યો. સાસણ વન વિભાગનો સ્ટાફ અને જીપ્સી ડ્રાઈવરે સારી સફારી કરાવી. ઓનલાઈન બુકિંગથી લઈને તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર આવે છે. આ વખતે દિવાળી વેકેશનને કારણે ભીડ વધુ જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.