ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.
શ્રેણી પૂરી થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળો પર ખુલીને વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ બંને ખેલાડીઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને 2027માં યોજાનાર વનડે વર્લ્ડ કપની ટીમની યોજનાનો તેઓ મહત્વનો હિસ્સો રહેશે.
ગિલે કહ્યું, 'રોહિત અને વિરાટ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમને જ્યારે પણ જરૂર પડી છે, ત્યારે તેમણે શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી છે. રોહિત ભાઈએ છેલ્લી ચાર ઈનિંગ્સમાં કમાલની બેટિંગ કરી છે. વિરાટ ભાઈ પણ જબરદસ્ત ફોર્મમાં છે અને કે.એલ. રાહુલને જ્યારે પણ તક મળી છે, તેમણે ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું છે.'
2027 વર્લ્ડ કપ અંગે શું કહ્યું?
જ્યારે ગિલને પૂછવામાં આવ્યું કે, શું ટીમ યુવા ખેલાડીઓને અજમાવવા માટે આ દિગ્ગજોને આરામ આપી શકે છે? ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે, હવે વધુ પ્રયોગો કરવાનો સમય બચ્યો નથી. વર્લ્ડ કપ પહેલાં ટીમે પોતાની પાકી પ્લેઈંગ ઈલેવન નક્કી કરવી પડશે, જેથી તમામ ખેલાડીઓ એકસાથે મળીને રમી શકે.
ઉંમર પર સવાલો, બેટથી જવાબ
રોહિત શર્મા (39 વર્ષ) અને વિરાટ કોહલી (37 વર્ષ)ની ઉંમર અંગે વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે, પરંતુ મેદાન પર તેમના બેટમાંથી નીકળતા રન ટીકાકારોને કડક જવાબ આપી રહ્યા છે. આ શ્રેણી દરમિયાન વિરાટે તેની વનડે કારકિર્દીની 55મી સદી ફટકારી, જ્યારે રોહિતે પણ સતત ઉત્કૃષ્ટ ઈનિંગ્સ રમીને સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે.
કેપ્ટન ગિલના આ નિવેદન પછી એ નક્કી છે કે, હાલમાં રોહિત અને વિરાટ ભારતીય ટીમની બ્લૂ જર્સીમાં રમતા જોવા મળશે. ભારતીય ક્રિકેટ ચાહકો પણ આ બંનેને 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે.