સત્ય. સાહસ. સંકલ્પ.

ગિફ્ટ સિટી અને IIM બેંગલુરુ દેશભરના વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સ ઓલિમ્પિયાડનું આયોજન કરશે

ગિફ્ટ સિટી અને IIM બેંગલુરુ દેશભરના વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સ ઓલિમ્પિયાડનું આયોજન કરશે

ગિફ્ટ સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુ (IIM બેંગલુરુ) મળીને દેશભરના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ‘ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરી રહ્યા છે. આ સ્પર્ધા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી કે બિઝનેસ સ્કૂલમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરતા હોવા જોઈએ. કોઈ પણ વિષયના વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. દરેક ટીમમાં ચાર વિદ્યાર્થીઓ હોવા આવશ્યક છે અને જુદા જુદા વિષયોના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે: પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન કેસ ચેલેન્જ, બીજા તબક્કામાં ચાર શહેરોમાં રિજનલ ફાઇનલ અને ત્રીજા તબક્કામાં ગ્રાન્ડ ફિનાલે. પ્રથમ તબક્કા માટે સબમિશન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 છે.

વિદ્યાર્થીઓ બે વિષયોમાંથી એક પસંદ કરી શકશે. ‘માર્કેટ્સ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇન’ હેઠળ ગિફ્ટ આઈએફએસસી મારફતે વૈશ્વિક રોકાણકારો માટે ભારતની મોટી કંપનીઓ સાથે જોડાયેલા સિંગલ-સ્ટોક ફ્યુચર્સ શરૂ કરવાની દરખાસ્તનો અભ્યાસ કરવાનો રહેશે. ‘ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટ્રેટેજી એન્ડ ગવર્નન્સ’ હેઠળ ગિફ્ટ આઈએફએસસીમાં કાર્યરત એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશનો વૈશ્વિક એક્સચેન્જો, કસ્ટોડિયન્સ તથા બજારની અન્ય સંસ્થાઓ સાથેની ભાગીદારીનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે અને તેને યોગ્ય સ્વરૂપ કેવી રીતે આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

રિજનલ ફાઇનલ 21 નવેમ્બરે દિલ્હીમાં, 28 નવેમ્બરે બેંગાલુરુમાં, 30 નવેમ્બરે કોલકાતામાં અને 5 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. પસંદગી પામેલી ટીમોએ સ્થળ પર યોજાનારા કેસ રાઉન્ડમાં ભાગ લેવો પડશે, જેમાં લાઇવ પ્રેઝન્ટેશન અને જ્યુરીના પ્રશ્નોના જવાબનો સમાવેશ થશે. દરેક શહેરની વિજેતા ટીમ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવશે, જ્યાં તેમને વધુ વિસ્તૃત કેસનો અભ્યાસ કરીને ભલામણો રજૂ કરવાની રહેશે.

મૂલ્યાંકન વિશ્લેષણની ગુણવત્તા, વ્યૂહાત્મક ઊંડાણ, ઉકેલની વ્યવહારુ અમલ શક્યતા, બજારના વિકલ્પો વચ્ચેના ફાયદા-ગેરફાયદાની સમજ અને રજૂઆતના આધારે કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સંશોધન અને લેખન માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેમણે તેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓના પોતાના વિશ્લેષણ, ઉકેલની વ્યવહારુ શક્યતા તથા જોખમો અને વિકલ્પો વચ્ચેના ફાયદા-ગેરફાયદાની સ્પષ્ટ સમજ પર ખાસ ભાર મૂકાશે.

આ પહેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ આઈએફએસસીમાં નવી નાણાંકીય પ્રોડક્ટ્સ વિકસાવવા અને બજારના માળખાને વધુ મજબૂત બનાવવા સાથે સંકળાયેલા વ્યાપારી, નિયમનકારી અને કામગીરીના પડકારોનો અભ્યાસ કરવાની તક આપશે. નવી પ્રોડક્ટ્સમાં નવીનતા, સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી અને સુશાસન જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પહેલ વ્યવહારુ ઉકેલોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે, જે આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર તરીકે ગિફ્ટ આઈએફએસસીની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા વધારવામાં ફાળો આપી શકે છે.