સત્ય. સાહસ. સંકલ્પ.

ગિફ્ટ સિટીના WTC પ્રોજેક્ટ પર RERAની કાર્યવાહી: બેંક એકાઉન્ટ ફ્રીઝ, નવા બુકિંગ પર પ્રતિબંધ

ગિફ્ટ સિટીના WTC પ્રોજેક્ટ પર RERAની કાર્યવાહી: બેંક એકાઉન્ટ ફ્રીઝ, નવા બુકિંગ પર પ્રતિબંધ

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ગિફ્ટના A, B અને D ટાવર પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા 30 જૂન, 2024ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ અધૂરું છે.

રેરા ઓથોરિટી દ્વારા 24 માર્ચ, 2026ના રોજ એક સામાન્ય આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે પ્રમોટરને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે, આદેશ હેઠળ આપવામાં આવેલા નિર્દેશોના પાલન માટે પ્રમોટર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તેવું જણાતું નથી, તેમજ આદેશ સામે અપીલેટ ટ્રિબ્યુનલમાં કોઈ અપીલ પણ કરવામાં આવી ન હતી.

રેરાની કાર્યવાહી હેઠળ તાત્કાલિક અસરથી પ્રોજેક્ટનું RERA બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, પ્રોજેક્ટમાં નવા યુનિટના બુકિંગ લેવા પર રોક લગાવવામાં આવી છે, પ્રમોટરનું RERA પોર્ટલ એક્સેસ રદ કરવામાં આવ્યું છે અને અધૂરા બાંધકામને પૂર્ણ કરવાની પ્રક્રિયાની વિચારણા ચાલી રહી છે.

WTC પ્રોજેક્ટ શું છે? WTC એટલે World Trade Center GIFT City. આ પ્રોજેક્ટ GIFT Cityના નોન-સેઝ વિસ્તારમાં બ્લોક-51માં WTC નોઈડા ડેવલપમેન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીએ ડેવલપરને 2014માં બાંધકામ માટે પરમિશન આપી હતી. મૂળ પ્રોજેક્ટમાં ચાર ટાવર—A, B, C અને Dનો સમાવેશ થાય છે. A, B અને Dના RERA પ્રોજેક્ટમાં કુલ 1,188 કોમર્શિયલ યુનિટ છે. Tower Cમાં 312 યુનિટમાંથી 311 બુક થયેલા હોવાનું 2026ના અહેવાલોમાં જણાવાયું છે, પરંતુ બાંધકામ માત્ર આશરે 28% સુધી પહોંચ્યું હતું.

Tower A, B અને D: મુખ્યત્વે કોમર્શિયલ/ઓફિસ સ્પેસ. Tower C: અલગ RERA રજિસ્ટ્રેશન હેઠળનો પ્રોજેક્ટ.

WTC ગિફ્ટ ટાવર પ્રોજેક્ટમાં કુલ 1188 યુનિટ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 1168 યુનિટનું બુકિંગ થઈ ચૂક્યું છે. બાંધકામ અધૂરું હોવાથી મોટી સંખ્યામાં ખરીદદારો પોતાના યુનિટના કબજાની રાહ જોઈ રહ્યા છે.

રેરાએ જાહેર નોટિસ બહાર પાડી પ્રોજેક્ટનું અધૂરું બાંધકામ પૂર્ણ કરાવવા માટે રેરા એક્ટની કલમ-8 હેઠળની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફાળવણીકારો અને અન્ય અસરગ્રસ્ત પક્ષકારો પાસેથી વાંધા અને દાવા મંગાવવામાં આવ્યા છે. ફાળવણીકારો કે અન્ય સંબંધિત વ્યક્તિઓ પોતાના વાંધા-દાવા ડિજિટલ માધ્યમથી અથવા ગાંધીનગર સ્થિત ગુજરાત રેરાની કચેરીમાં લેખિતમાં 2 નવેમ્બર, 2026 સુધી રજૂ કરી શકશે. હવે રેરા અધૂરા પ્રોજેક્ટના વિકાસ કામને આગળ વધારવા અને ફાળવણીકારો સહિત અસરગ્રસ્ત પક્ષકારોના હિતોનું રક્ષણ કરવા અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે.

રેરાની નોટિસ મુજબ પ્રમોટર સામે એન્ફોર્સમેન્ટ સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નાણાકીય બાબતોને લઈને તપાસ ચાલી રહી છે. બીજી તરફ, સ્થાનિક સત્તાધિકારીએ 4 જૂન, 2025ના રોજ પ્રમોટર સાથેનો યુઝર્સ એગ્રીમેન્ટ રદ કર્યો હતો. આ ઉપરાંત WTC ટ્રેડમાર્ક અંગે દિલ્હી હાઇકોર્ટના આદેશોના પાલનનો મુદ્દો પણ સામે આવ્યો છે. પ્રોજેક્ટના મોટાભાગના ગ્રાહકોએ અલગથી પોતાની સોસાયટીની નોંધણી કરાવી હોવાનું પણ રેરાની નોટિસમાં જણાવાયું છે.