સત્ય. સાહસ. સંકલ્પ.

GIFT Cityમાં દારૂ વેચાણ 53,000 લિટર વધ્યું, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે 301 કરોડ ફાળવાયા

GIFT Cityમાં દારૂ વેચાણ 53,000 લિટર વધ્યું, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે 301 કરોડ ફાળવાયા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષે પેપર લીક, આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ, રક્તપિત્ત, CCTV સુરક્ષા, અંગદાન અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સહિતના મુદ્દે સરકારને સવાલો કર્યા હતા. સરકારે લેખિતમાં અને ગૃહમાં આપેલા જવાબોમાં અનેક માહિતી આપી.

ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન કર્યો હતો. ગૃહ વિભાગે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં GIFT Cityની વાઈન એન્ડ ડાઈન સુવિધામાં કુલ 60,354 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું છે. આનાથી રાજ્ય સરકારને 87.39 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 23 જૂન, 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને GIFT Cityમાં વેચાતા વિદેશી દારૂ પરના VATમાં આંશિક મુક્તિ આપી છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003ની કલમ 5ની પેટા-કલમ (2)ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ સુધારો અમલી બનાવાયો છે. સરકારના જણાવ્યા અનુસાર VAT દર 65%થી ઘટાડીને 25% કરાયો છે, જેથી GIFT Cityમાં વિદેશી દારૂ સસ્તો બન્યો છે.

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકારની તૈયારીઓ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો હતો. રમતગમત વિભાગે જવાબમાં જણાવ્યું કે ગેમ્સના આયોજન માટે 301 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હોસ્ટ કોલોબરેશન એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત જરૂરી હોસ્ટ ફીની ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ‘Amdavad 2030 Commonwealth Games Organisation’ નામની કંપનીની રચના માટે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પેપર લીકના કિસ્સાઓમાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે બે આરોપી હજુ ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે.

ભ્રષ્ટાચાર સામે ACBની કામગીરી અંગે પણ વિધાનસભામાં આંકડા રજૂ થયા. શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં ACBએ કુલ 90 દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 133 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને 84,80,482 રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે.

આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી ન લે તે માટે સરકાર કટિબદ્ધ છે. જસ્ટિસ કારીયા કમિટી દ્વારા સ્વીકાર્યા બાદ 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધીમાં કુલ 75 ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

જોકે ધારાસભ્ય અનંતકુમાર પટેલ અને ચૈતર વસાવાએ પ્રમાણપત્રોની ખરાઈ અંગે સરકારને ઘેરી હતી. ચૈતર વસાવાએ 56 હજાર RBCને ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવામાં આવ્યાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે ઉમેદવારને નોકરી મળતી વખતે આદિવાસી તરીકેની ખરાઈ માટે વિગતો વિભાગ પાસે આવે છે અને સમિતિ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તો તે રદ કરીને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે.