સત્ય. સાહસ. સંકલ્પ.

ગઢડામાં જળઝીલણી દરમિયાન નાવડી પલટી, સાધુ-સંતો સહિત 6નો બચાવ

ગઢડામાં જળઝીલણી દરમિયાન નાવડી પલટી, સાધુ-સંતો સહિત 6નો બચાવ

બોટાદ જિલ્લાના ગઢડામાં જળઝીલણી એકાદશીના ઉત્સવ દરમિયાન એક નાવડી પલટી જવાની ઘટના બની છે. ઘેલો નદીના રમા ઘાટ પર ભગવાનને સ્નાન કરાવવાની તૈયારી ચાલી રહી હતી, તે પહેલાં જ નાવડી પલટી ગઈ હતી. નાવડીમાં સવાર સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત કુલ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.

જળઝીલણી એકાદશી નિમિત્તે ગોપીનાથજી દેવ મંદિરથી શોભાયાત્રા સાથે ભગવાનને રમા ઘાટ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન-અર્ચન બાદ ભગવાનને ઘેલો નદીમાં સ્નાન કરાવવાનું આયોજન હતું. જોકે, ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં જ નદીમાં ઉપયોગમાં લેવાયેલી નાવડી અચાનક પલટી ગઈ હતી.

નાવડી પલટતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તરત જ સ્થળ પર હાજર પોલીસકર્મીઓ અને લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ 6 લોકોને સલામત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રમા ઘાટ ખાતે તે સમયે પાણીની ઊંડાઈ આશરે 4 ફૂટ જેટલી હોવાનું સામે આવ્યું છે. પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક અનુમાન મુજબ નાવડીમાં સવાર લોકોની સંખ્યા અને વજન વધી જતાં નાવડીનું સંતુલન બગડ્યું હતું અને તે પલટી ગઈ હતી. જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને નદીમાં સ્નાન કરાવવા માટે પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગઢડામાં જળઝીલણી એકાદશીનો ઉત્સવ વર્ષોથી પરંપરાગત રીતે રમા ઘાટ ખાતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ ઘટના સ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘટના બાદ તમામ 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા તંત્ર અને ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જળઝીલણી એકાદશીનો ઉત્સવ ભક્તિ અને પરંપરા સાથે ઉજવાયો હતો, પરંતુ નાવડી પલટી જવાની ઘટનાએ થોડા સમય માટે ચિંતા ફેલાવી હતી.