અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સોનાના દાગીના પર જડતરકામ કરતા વેપારી સાથે 27.60 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. વેપારીએ તેમના ઓળખીતા કારીગરને જડતરકામ માટે અલગ-અલગ દિવસે કુલ 276.050 ગ્રામ સોનાના દાગીના આપ્યા હતા. જોકે, દાગીના પરત કરવાનો સમય આવતા કારીગર ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રાજેશભાઈ વિરજીભાઈ પટેલ ઘરેથી જ સોનાના દાગીના પર જડતરકામનો વ્યવસાય કરે છે. તેમના ઓળખીતા કારીગર લક્ષ્મીનારાયણ મદનલાલ સોનીને તેમણે જડતરકામ માટે સોનાના દાગીના આપ્યા હતા. રાજેશભાઈએ 30 ઓક્ટોબરે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ 184.910 ગ્રામનો એક સોનાનો સેટ અને 49.500 ગ્રામની બુટ્ટીની જોડી આપી હતી. ત્યાર બાદ 1 નવેમ્બરે 19.850 ગ્રામ સોનાનું કુંદન અને 2 નવેમ્બરે બપોરે અઢી વાગ્યાની આસપાસ 21.790 ગ્રામ વજનના સોનાના ચાર પીસ જડતરકામ માટે આપ્યા હતા.
2 નવેમ્બરે રાજેશભાઈએ અગાઉ આપેલા સોનાના દાગીના પરત લેવા માટે લક્ષ્મીનારાયણને ફોન કર્યો હતો. જોકે, કારીગરે ફોન ઉપાડ્યો નહોતો કે કોઈ જવાબ આપ્યો નહોતો. આથી રાજેશભાઈ તપાસ કરવા માટે તેના નિર્ણયનગર સ્થિત ઘરે પહોંચ્યા હતા. ત્યાં ઘર પર તાળું મારેલું જોવા મળ્યું હતું. આસપાસ તેમજ અન્ય કારીગરો અને મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં લક્ષ્મીનારાયણનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે રાજેશભાઈને ખ્યાલ આવ્યો કે કારીગર 276.050 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત 27,60,500 રૂપિયા થાય છે, તે પરત આપ્યા વગર ફરાર થઈ ગયો છે. આથી તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.