જર્મનીના કોલોન શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રોબોટે 16 વર્ષીય સગીરાની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે બે કિશોરોના મોબાઈલ ફોન અને રોબોટ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
ડેઇલી મેલના અહેવાલ મુજબ, આ ઘટના રવિવારે રાત્રે આશરે 11:45 વાગ્યે સેન્ટ્રલ કોલોનના 'હોહેનઝોલર્નરિંગ' વિસ્તારમાં બની હતી. સગીરા પોતાના મિત્રો સાથે એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ બહાર ઊભી હતી, ત્યારે લાલ અને સોનેરી રંગનો આશરે 1.2 મીટર ઊંચો રોબોટ પાછળથી તેની નજીક પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારિત કરવામાં આવી રહી હતી.
કોલોન પોલીસે જણાવ્યું કે, આ મશીને કથિત રીતે 16 વર્ષની સગીરાના કમરના ભાગે અડપલાં કર્યા હતા અને તેને ધક્કો માર્યો હતો. પોલીસને આશંકા છે કે વેગબર્ગના રહેવાસી એવા રોબોટના 16 વર્ષીય માલિક અને તેના 19 વર્ષીય સાથીદારે મળીને આ ઘટનાનું શૂટિંગ કર્યું હતું અને લાઇવ દરમિયાન આપત્તિજનક કોમેન્ટ્રી પણ કરી રહ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદોની ફોક્સવેગન સેડાન કારની ડિક્કીમાંથી આ રોબોટ મળી આવ્યો હતો. પોલીસે તપાસના ભાગરૂપે તે રોબોટિક મશીન અને બંને કિશોરોના મોબાઈલ ફોન કબ્જે લીધા છે.
પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે જાતીય સતામણીની શંકા હેઠળ ગુનાહિત તપાસ શરૂ કરી છે. અધિકારીઓ તપાસી રહ્યા છે કે ઘટના વખતે રોબોટ કઈ રીતે કામ કરી રહ્યો હતો, તેને રિમોટલી કંટ્રોલ કરવામાં આવી રહ્યો હતો કે પછી તેમાં સગીરાને હેરાન કરવા માટે જાણીજોઈને સોફ્ટવેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.