જર્મનીમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વધતી મોંઘવારી સામે જેન ઝેડ (Gen Z) દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત દેશના 34 નાના-મોટા શહેરોમાં આશરે 1.60 લાખથી વધુ લોકો આ પ્રદર્શનોમાં જોડાયા હોવાની માહિતી છે. યુરોપના અન્ય દેશોમાં યુવા આંદોલનોથી પ્રેરિત થઈને જર્મનીમાં ‘Gen Z regelt’ નામના જૂથે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. યુવાનોની મુખ્ય માંગણી શિક્ષણ ક્ષેત્રે બજેટ વધારવાની, મોંઘવારીમાંથી રાહત આપવાની અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ કરવાની છે.
વિરોધ પ્રદર્શન અને હેલોવીનનો તહેવાર એક જ દિવસે હોવાથી જર્મનીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં અગાઉ થયેલી હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓથી જર્મન અધિકારીઓ ચિંતિત છે. આ જ કારણોસર, સાવચેતીના ભાગરૂપે બર્લિનના મુખ્ય શોપિંગ વિસ્તાર ‘કુર્ફર્સ્ટેન્ડમ’ ખાતેની ઘણી મોટી દુકાનો અને વ્યાપારી સંકુલોએ પોતાની બારીઓ અને કાચને લાકડાના પાટિયાંથી ઢાંકી દીધા છે તેમજ દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોની સલામતી અને મિલકતોના રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું છે.
યુવા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર તેમની જરૂરિયાતો તરફ ધ્યાન આપવાને બદલે માત્ર સરકારી કાપ મૂકી રહી છે અને યુવાનો પર બોજ વધારી રહી છે. બર્લિન ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં છે, છતાં ત્યાં અભ્યાસ કરવાની મજબૂરી છે. બીજી તરફ, જર્મનીના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન (BSK)એ આ ચોક્કસ પ્રદર્શનથી પોતાને અલગ રાખ્યું છે અને આગામી 20 નવેમ્બરે અલગથી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં, યુવાનોનો દાવો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.