સત્ય. સાહસ. સંકલ્પ.

જર્મનીમાં AfDનો ઉદય: ઉલરિચ સિગમન્ડની સત્તા નજીક, નાઝી યુગની ચિંતા

જર્મનીમાં AfDનો ઉદય: ઉલરિચ સિગમન્ડની સત્તા નજીક, નાઝી યુગની ચિંતા

જર્મનીના સેક્સની-આનહાલ્ટ રાજ્યમાં તાજેતરની ચૂંટણીમાં જમણેરી પક્ષ AfD (ઓલ્ટરનેટિવ ફોર જર્મની)ના નેતા ઉલરિચ સિગમન્ડે 43.8% મત મેળવ્યા છે. તેમની પાર્ટી હવે મુખ્યમંત્રી પદથી ફક્ત 3 બેઠકો દૂર છે. આ પરિણામે યુરોપ અને વિશ્વમાં ચિંતાની લહેર ફેલાવી છે, કારણ કે 1945 પછી પ્રથમ વખત કોઈ કટ્ટરવાદી નેતા સત્તાની આટલી નજીક પહોંચ્યો છે.

સિગમન્ડનો એજન્ડા સ્પષ્ટ છે: શરણાર્થીઓને બહાર કાઢો, યુક્રેનને હથિયારો આપવાનું બંધ કરો અને જર્મનીની અંદરના મુદ્દાઓ પર ધ્યાન આપો. તેમની પાર્ટી ખુલ્લેઆમ કહે છે કે જર્મનીએ યુક્રેન પાછળ ખર્ચ કરવાને બદલે રશિયા સાથે સસ્તી ઊર્જાનો વેપાર ફરી શરૂ કરવો જોઈએ. જર્મની હાલમાં યુક્રેનનું સૌથી મોટું યુરોપિયન સાથી દેશ છે અને 57.6 અબજ યુરોની સૈન્ય સહાય આપી રહ્યું છે.

જર્મનીની રાજકીય વ્યવસ્થામાં 'ફાયરવોલ' તરીકે ઓળખાતો એક અલિખિત નિયમ છે, જેમાં અન્ય પક્ષો AfD સાથે ગઠબંધન ન કરવાનો સંકલ્પ ધરાવે છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી બની છે કે સૌથી વધુ મત મેળવ્યા પછી પણ સિગમન્ડને સત્તાથી દૂર રાખવા માટે કેટલાક પક્ષોને આ નિયમોમાં ઢીલ આપવી પડી શકે છે.

રાજકીય વિશ્લેષકો અને ગુપ્તચર એજન્સીઓ આ પરિણામને 1930ના દાયકાના હિટલરના ઉદય સાથે સરખાવી રહ્યા છે. તે સમયે આર્થિક મંદી, જનતાનો ગુસ્સો અને 'જર્મની ફર્સ્ટ'ના નારાએ સરમુખત્યારને જન્મ આપ્યો હતો. હાલમાં પણ રશિયાના ગેસ પુરવઠો બંધ થયા પછી જર્મનીનું આર્થિક એન્જિન ધીમું પડ્યું છે, જેનો લાભ જમણેરી નેતાઓ ઉઠાવી રહ્યા છે.

ઉલરિચ સિગમન્ડની રાજકીય સફર કોરોના મહામારી દરમિયાન શરૂ થઈ હતી. ત્યારે તેમણે લોકડાઉન અને માસ્કના ફરજિયાત નિયમોનો સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ કર્યો હતો. ધીમે ધીમે તેમણે યુવાનોમાં પોતાની છાપ ઊભી કરી અને પાર્ટીમાં પ્રગતિ કરી. આજે તે જર્મનીના રાજકારણમાં ભૂકંપ લાવી ચૂક્યા છે.

હાલમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પાર્ટી ફક્ત 17% મત પર સીમિત થઈ ગઈ છે. જો AfD સત્તામાં આવશે તો બર્લિનથી કીવ અને મોસ્કો સુધીના સંબંધોમાં મોટો બદલાવ આવી શકે છે. આ સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે.