સત્ય. સાહસ. સંકલ્પ.

જર્મનીમાં AfDનો ઉદય: ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે શું બદલાશે?

જર્મનીમાં AfDનો ઉદય: ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે શું બદલાશે?

જર્મનીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે ઉજ્જવળ કારકિર્દીની તકો ઊભી થઈ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારીના કારણે હજારો ભારતીય યુવાનો જર્મની તરફ આકર્ષાયા છે. પરંતુ તાજેતરના રાજકીય ઘટનાક્રમથી એક નવો સવાલ ઊભો થયો છે: શું જર્મની હજુ પણ ભારતીયો માટે એટલું જ આવકારદાયક રહેશે?

જર્મનીમાં કટ્ટર-જમણેરી અને ઇમિગ્રેશન વિરોધી પક્ષ 'ઓલ્ટરનેટિવ ફોર જર્મની' (AfD)નો ઝડપી ઉદય થયો છે. આ પક્ષ વિદેશીઓ અને બિન-શ્વેત લોકોના ઇમિગ્રેશન પર રોક લગાવવાની હિમાયત કરે છે. જો આ પક્ષ સત્તામાં આવે તો ભારતીયો માટે વર્ક પરમિટ, વિઝા અને રેસિડન્સ રાઇટ્સ મેળવવા મુશ્કેલ બની શકે છે.

જર્મનીની અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનો ફાળો નોંધપાત્ર છે. 2015માં જર્મનીમાં ભારતીય નાગરિકોની સંખ્યા 86,000 હતી, જે 2025 સુધીમાં વધીને આશરે 2,80,000 થઈ છે. તેમાંથી 1,52,000થી વધુ ભારતીયો IT, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ આવક ધરાવતા ક્ષેત્રોમાં કાર્યરત છે. આશરે 59,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, જ્યારે બાકીના 69,000માં સ્કિલ્ડ વર્કર્સ અને તેમના પરિવારજનો (જીવનસાથી અને બાળકો)નો સમાવેશ થાય છે.

હાલમાં જ યોજાયેલી રાજ્ય કક્ષાની ચૂંટણીઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. સેક્સોની-અન્હાલ્ટ, મેકલેનબર્ગ-વેસ્ટર્ન પોમેરેનિયા અને બર્લિન જેવા રાજ્યોમાં AfDએ મજબૂત પ્રદર્શન કર્યું. બર્લિનમાં તે 16.3% મતો સાથે ત્રીજો સૌથી મોટો પક્ષ બન્યો, જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ બેડન-વુર્ટેમબર્ગમાં તેનો મતહિસ્સો 18.8% સુધી પહોંચ્યો. બીજા વિશ્વયુદ્ધ અને નાઝી સરમુખત્યારશાહીના અંત પછી આ પહેલીવાર છે જ્યારે કટ્ટર-જમણેરી પક્ષ રાજકારણમાં આટલો શક્તિશાળી બન્યો છે.

AfDનો મુખ્ય એજન્ડા વિદેશીઓ તેમજ બિન-શ્વેત લોકોના ઇમિગ્રેશન પર રોક મૂકવાનો છે. પક્ષના નેતાઓ માને છે કે જર્મનીએ વિદેશી કુશળ કામદારો પર નિર્ભર રહેવાને બદલે જર્મનોને પ્રાથમિકતા આપવી જોઈએ. સેક્સોની-અન્હાલ્ટના AfD નેતા ઉલરિચ સિગમંડે વિદેશી ડૉક્ટરો (જેમ કે ભારતીય કે સીરિયન)ને બદલે વિદેશમાં વસતા જર્મનોને પરત લાવવાની હિમાયત કરી છે.

AfD વિદેશીઓને અપાયેલી નાગરિકતાની સમીક્ષા કરવાની પણ માંગ કરે છે. જર્મન નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા 2022માં 2,775 થી વધીને 2024માં 4,705 થઈ છે. ભારતમાં બેવડી નાગરિકતાનો નિયમ ન હોવાથી 90%થી વધુ ભારતીયોએ જર્મન પાસપોર્ટ માટે ભારતીય પાસપોર્ટ જમા કરાવ્યો છે. કાયદાકીય રીતે આ લોકો સુરક્ષિત હોવા છતાં, 'નેશનલ ડિસ્ક્રિમિનેશન એન્ડ રેસિઝમ મોનિટર'ના રિપોર્ટ મુજબ, જર્મનીમાં અડધાથી વધુ બિન-શ્વેત લોકો દર મહિને ઓછામાં ઓછી એક વાર વંશીય ભેદભાવનો અનુભવ કરે છે.

ભારત અને જર્મની વચ્ચે પેલેસ્ટાઇનના મુદ્દે અલગ રાજદ્વારી દૃષ્ટિકોણ છે. ભારતે 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી, જ્યારે જર્મનીએ આપી નથી. AfD ઇઝરાયેલનો કટ્ટર સમર્થક છે. જર્મનીના સુધારેલા નાગરિકતા કાયદા મુજબ, નાગરિકતા ઇચ્છુક વ્યક્તિએ ઇઝરાયેલના અસ્તિત્વનો સ્વીકાર કરવો ફરજિયાત છે. આ સ્થિતિ ભારતીય મૂળના લોકો માટે વધારાની મુશ્કેલી ઊભી કરી શકે છે.