ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરમાં રાજકીય તણાવ વધી ગયો છે. વોર્ડ-7માં કોંગ્રેસના બેનરો રાતોરાત ફાડી નાખવાની ઘટનાઓ સામે આવી છે. આ મુદ્દે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગાંધીનગરના વોર્ડ-6માં યોજાયેલી જાહેર સભામાં ભાજપ અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, 'રાતે કોઈને ખબર ન હોય એ રીતે બેનર ફાડવામાં આવે છે. તમારી 56 ઈંચની છાતી હોય તો દિવસે કોંગ્રેસના બેનરને અડજો. તમારું છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં.'
ગેનીબેન ઠાકોરે પોલીસ પર આરોપ લગાવ્યો કે, અહીંની પોલીસ રિક્ષાવાળાથી લઈને બધાને ધમકી આપે છે. એસપી ખુદ ફોન કરીને ધમકાવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારના ડરથી વિપક્ષને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહી માટે ઘાતક છે. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, કોંગ્રેસના કાર્યકરોને ધમકી આપવાનું નહીં.
ગેનીબેને ફતેપુરામાં રેલમછેલ દારૂ વેચાણનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, 'ફતેપુરામાં ને બધે રેલમછેલ દારૂ વેચાય છે, એ બંધ કરાવવાની જવાબદારી પોલીસની છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'હપ્તા મહિને ઉઘરાવવાનું, ગરીબ સમાજના યુવાનોને બરબાદ કરવાનું, નાની ઉંમરે બહેનો વિધવા થાય એ તમને દેખાતું નથી. ચૂંટણી આવે એટલે વહીવટી તંત્ર સત્તાનો દુરુપયોગ કરે છે.'
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ સભામાં ઉપસ્થિત હતા. ગેનીબેને કહ્યું કે, 'અમિત ચાવડા હાજર ન હોત તો થોડુંક કડક ભાષામાં કહેત, પણ એ હાજર છે એટલે મર્યાદા છે.' તેમણે પડકાર ફેંકતા કહ્યું, 'તમારામાં તાકાત હોય તો 11મી તારીખે મતદાન પતવા દો. પહેલાં ઉતાવળ હોય તો મેદાન નક્કી કરો, અમે લડવા તૈયાર છીએ. પણ મહેરબાની કરીને લોકશાહી ઢબે ચૂંટણી થવા દો.'
આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેનાથી ભાજપની ચિંતા વધી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં મનપાની ચૂંટણી વધુ રસાકસીભરી બનશે.