સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતીય ક્રિકેટમાં યુવા પેઢીનો ઉદય: 15થી 27 વર્ષના આ ખેલાડીઓ કરોડોમાં કમાય છે

ભારતીય ક્રિકેટમાં યુવા પેઢીનો ઉદય: 15થી 27 વર્ષના આ ખેલાડીઓ કરોડોમાં કમાય છે

ભારતીય ક્રિકેટમાં નવી પેઢીના ખેલાડીઓ હવે મોખરે આવી રહ્યા છે. શુભમન ગિલ (27), યશસ્વી જયસ્વાલ (24), અભિષેક શર્મા (26), તિલક વર્મા (23) અને વૈભવ સૂર્યવંશી (15) જેવા યુવા ખેલાડીઓ મેદાન પર પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેલાડીઓએ ઓછી ઉંમરે જ કરોડો રૂપિયાની કમાણી કરી છે અને વૈશ્વિક ઓળખ મેળવી છે.

ભારતમાં ક્રિકેટ ધર્મ જેવું છે અને સમયાંતરે દેશને અનેક મહાન ખેલાડીઓ મળ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ ચાહકોના દિલમાં રહે છે, પરંતુ હવે જનરેશન ઝી (Gen Z) એટલે કે યુવા ખેલાડીઓએ પણ પોતાની છાપ ઊભી કરી છે.

શુભમન ગિલ: પંજાબના ફાઝિલ્કામાં જન્મેલા 27 વર્ષીય શુભમન ગિલ ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન છે. IPLમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન પણ છે. તેમની અંદાજિત નેટવર્થ ₹80 કરોડથી ₹100 કરોડ વચ્ચે હોવાનું મનાય છે, જે BCCI કોન્ટ્રાક્ટ, IPL પગાર અને એન્ડોર્સમેન્ટમાંથી આવે છે.

યશસ્વી જયસ્વાલ: ઉત્તર પ્રદેશના ભદોહીના વતની 24 વર્ષીય યશસ્વી ભારતીય ટીમના આક્રમક ઓપનર છે. સંઘર્ષો વેઠીને ટીમ ઇન્ડિયા સુધી પહોંચેલા યશસ્વી IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. 2026ના અહેવાલો મુજબ તેમની નેટવર્થ આશરે ₹55 કરોડ છે.

અભિષેક શર્મા: 26 વર્ષીય અભિષેકે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો છે. ડાબોડી બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરે છે. IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેકની નેટવર્થ ₹12 કરોડથી ₹30 કરોડ વચ્ચે હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

તિલક વર્મા: હૈદરાબાદમાં જન્મેલા 23 વર્ષીય તિલક મિડલ ઓર્ડરના ડાબોડી બેટ્સમેન છે અને ઓફ-સ્પિન પણ ફેંકે છે. દબાણમાં સ્થિર રમવું તેમની ખાસિયત છે. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા તિલકની નેટવર્થ ₹10 કરોડથી ₹20 કરોડ આંકવામાં આવે છે.

વૈભવ સૂર્યવંશી: બિહારના સમસ્તીપુરમાં જન્મેલા વૈભવની ઉંમર માત્ર 15 વર્ષ છે, પણ તેમણે વિસ્ફોટક બેટિંગથી દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. ડાબોડી બેટ્સમેન વૈભવ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેમની નેટવર્થ ₹2.5 કરોડથી ₹7 કરોડ સુધી હોવાનું મનાય છે.

આ યુવા ખેલાડીઓની સફળતા દર્શાવે છે કે નવી પેઢી મેદાન પર રેકોર્ડ બનાવવા ઉપરાંત નાની ઉંમરે આર્થિક રીતે પણ સફળતા મેળવી રહી છે.