સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યુરોડાઈવર્જન્ટ બાળકો માટે Gen-Z કલાકાર શરણ દહિલીવાલાનું આર્ટ પ્રદર્શન, જોધપુર આર્ટ ગેલેરીમાં 28 સપ્ટેમ્બરથી

ન્યુરોડાઈવર્જન્ટ બાળકો માટે Gen-Z કલાકાર શરણ દહિલીવાલાનું આર્ટ પ્રદર્શન, જોધપુર આર્ટ ગેલેરીમાં 28 સપ્ટેમ્બરથી

આજના ડિજિટલ યુગમાં જ્યારે ઘણા યુવાનો સોશિયલ મીડિયાના ટૂંકા ગાળાના ટ્રેન્ડ, રીલ્સ અને વાયરલ ફેમમાં વ્યસ્ત છે, ત્યારે એક Gen-Z કલાકાર પોતાની કળા દ્વારા સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહકારથી Gen-Z કલાકાર શરણ દહિલીવાલા ન્યુરોડાઈવર્જન્ટ બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. આ અંતર્ગત જોધપુર આર્ટ ગેલેરી ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન તેમના 'ધ ફાઇવ-કોર x ધ ઇનફાઇનાઇટ મેક્રોકોસમ' ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનનો સમય બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. રવિવાર, 27 સપ્ટેમ્બરે સાંજે 5:00 થી 6:30 વાગ્યા સુધી ખાસ પ્રીવ્યૂ રાખવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઈ-પાસ રજિસ્ટ્રેશન ફરજિયાત છે, જે ઓફિશિયલ QR કોડ દ્વારા કરી શકાય છે.

વજ્ર, પ્રાણ, સંકલ્પ, તેજ અને અનંત જેવા વિષયો પર આધારિત આ કલાકૃતિઓના વેચાણની 100% રકમ વિના કોઈ કમિશન સીધી કલાકારને મળશે. આ પ્રદર્શનમાં વેચાતી દરેક કલાકૃતિની રકમ સીધી કલાકારને જશે, જેમાં કોઈ પણ પ્રકારનું કમિશન કે દલાલી રાખવામાં આવી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને આગળ ધપાવતા શરણ દર્શાવે છે કે ન્યુરોડાઈવર્સિટી મર્યાદા નહીં પણ શક્તિ છે. તેમણે મેક્સિકો, કુઆલાલંપુર, નવી દિલ્હી તેમજ અમદાવાદ સુધી ભારતની સાંસ્કૃતિક વિરાસત પહોંચાડી છે.

ઉલ્લેખનીય છે કે શરણ માત્ર કલાકાર નથી, પરંતુ એક કુશળ ડ્રમર, કીબોર્ડ વાદક, ફોટોગ્રાફર, ડાન્સર અને કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ ધરાવે છે. તેમની આ બહુમુખી પ્રતિભા આજે હજારો યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહી છે.

જો તમે પણ આ અદ્ભુત કળા અને સામાજિક બદલાવના સાક્ષી બનવા માંગતા હોવ, તો કાર્યક્રમની વિગતો ખાસ નોંધી લેજો અને સમયસર ઈ-પાસ રજિસ્ટ્રેશન કરાવી લેજો.