ચીનની ઓટોમોબાઇલ કંપની ગીલીએ તેની નવી ફ્લેગશિપ પ્લગ-ઇન હાઇબ્રિડ SUV 'ગીલી બેટલશિપ 700' લોન્ચ કરી છે. આ SUVની સૌથી ચર્ચિત ખાસિયત તેની પાણીમાં તરવાની ક્ષમતા છે. કંપનીના દાવા અનુસાર, આ કાર 800 મિલીમીટર સુધીના ઊંડા પાણીમાંથી પસાર થઈ શકે છે અને ઇમરજન્સી ફ્લોટિંગ મોડમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાણીમાં આગળ વધી શકે છે.
ગીલી બેટલશિપ 700માં કંપનીની Thor EM-T ઑફ-રોડ હાઇબ્રિડ ટેક્નોલોજી અને CATL દ્વારા બનાવેલી 47.14 kWhની બેટરી પેક આપવામાં આવી છે. આ બેટરી કારને લગભગ 305 કિલોમીટરની ઇલેક્ટ્રિક રેન્જ આપે છે. પેટ્રોલ ટાંકી અને બેટરી બંને ભરેલી હોય ત્યારે કુલ સંયુક્ત ડ્રાઇવિંગ રેન્જ 1,770 કિલોમીટરથી વધુ થાય છે. ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી બેટરી માત્ર 10 મિનિટમાં 10%થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.
કારની કેબિનમાં મુસાફરો માટે Marshmallow Spa સીટ્સ આપવામાં આવી છે, જેમાં 14-પોઇન્ટ મસાજ, વેન્ટિલેશન અને હીટિંગની સુવિધા છે. પાછળની સીટને સંપૂર્ણપણે ફ્લેટ કરીને 1.8 મીટર લાંબો અને 1.1 મીટર પહોળો બેડ બનાવી શકાય છે. આ ઉપરાંત 18.5 લિટરનું ડ્યુઅલ-ડોર ફ્રિજ અને ઇન-બિલ્ટ ઑક્સિજન જનરેટર જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. કારમાં આગળના ભાગે 228 હાઇ-બ્રાઇટનેસ LED લાઇટ્સવાળી Sky Eye લાઇટિંગ સિસ્ટમ અને છત પર 192-લાઇનનું LiDAR સેન્સર છે.
કંપનીએ આ SUV ચીનના બજારમાં 6 અલગ-અલગ કન્ફિગરેશનમાં રજૂ કરી છે. તેની શરૂઆતની કિંમત આશરે 25.97 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 53.42 લાખ રૂપિયા સુધી પહોંચે છે. લોન્ચ થતાં જ માત્ર 12 મિનિટમાં 10,000થી વધુ લોકોએ આ કારનું બુકિંગ કરાવ્યું હતું.
હાલમાં આ SUV ચીનના બજારમાં ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તેને ક્યારે અને કયા નામથી લોન્ચ કરવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.