ભારતના મહાન પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની 100 આંતરરાષ્ટ્રીય સદીની સિદ્ધિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો કોઈ સાથી ખેલાડી કોહલીને આ ઐતિહાસિક સિદ્ધિ સુધી પહોંચાડવા માટે પોતાના રનનો ત્યાગ કરે, તો તે કોહલી અને સમગ્ર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગૌરવની ક્ષણ બનશે.
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં કોહલીએ 51 બોલમાં 74 રન ફટકારીને ભારતને જીત તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાવસ્કરે કહ્યું કે, 'જો કોહલી ક્રિઝ પર વધુ સમય રહ્યો હોત, તો લક્ષ્યની નજીક પહોંચ્યા બાદ કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ ઐયર માટે મેચ ઝડપથી પૂરી કરવી કે કોહલીને સદી ફટકારવાની તક આપવી તે અંગે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. મેચ જીતવી એ ટીમનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ જો ટીમના વિજયને નુકસાન ન પહોંચતું હોય તો આવી સિદ્ધિ મેળવવામાં ખેલાડીને મદદ કરવી યોગ્ય બાબત છે.'
ગાવસ્કરે રેકોર્ડ્સની માનસિકતા અંગે કહ્યું કે, 'ભારતીયોને હંમેશા રેકોર્ડ્સ બનાવવાનો શોખ રહ્યો છે અને તેથી તેના સારા-નરસા પાસાં અંગે ચર્ચા થતી રહે છે. એક વાત ચોક્કસ છે કે જે લોકો એમ કહે છે કે તેઓ રેકોર્ડ્સ માટે નથી રમતા, તેમાંથી 99% લોકો વાસ્તવમાં પ્રતિભા અને સ્વભાવની દ્રષ્ટિએ કોઈ રેકોર્ડ બનાવવા માટે સક્ષમ જ હોતા નથી, તેથી તેમના માટે આવું કહેવું સરળ છે.'
કોહલીની ઐતિહાસિક સિદ્ધિ વિશે વાત કરતાં ગાવસ્કરે જણાવ્યું કે, 'એક પણ ભારતીય ક્રિકેટ ચાહક એવો નથી જે ઇચ્છતો ન હોય કે કોહલી 100 આંતરરાષ્ટ્રીય સદી સુધી પહોંચે. આપણે બધા તેને ત્યાં પહોંચતો જોવા માંગીએ છીએ અને તેથી જો કોઈ એવી ક્ષણ આવે કે જ્યાં અન્ય કોઈ સાથી ખેલાડી પોતાના રનનો ત્યાગ કરીને તેને આ તક આપે, તો તે ગૌરવ માત્ર કોહલીનું જ નહીં, પરંતુ તમામ ભારતીય ક્રિકેટ ચાહકોનું પણ બનશે.'
મેચમાં કોહલી 74 રન બનાવીને આઉટ થઈ જતાં ગિલ અને ઐયર અસમંજસમાંથી બચી ગયા હતા. ગાવસ્કરે આ અંગે નિર્દેશ કર્યો હતો કે, 'કોહલી 70ના સ્કોર પર આઉટ થઈ ગયો. તેથી જો કોહલી 90ના સ્કોર પર અણનમ હોત અને વિજયી રન બની ગયા હોત તો ગિલ અને ઐયરને જે ટ્રોલિંગ કે ટીકાનો સામનો કરવો પડત, તેમાંથી તેઓ બચી ગયા. હા, ક્રિકેટ ટીમ રમત છે, પરંતુ જો ટીમના જીતવાના ચાન્સ પર કોઈ અસર ન પડે અને ટીમનો કોઈ સભ્ય, ખાસ કરીને કોઈ સ્ટાર ખેલાડી અંગત સીમાચિહ્ન સુધી પહોંચે, તો તે પણ ટીમ માટે સારું જ છે.'
વિરાટ કોહલી હાલ માત્ર વનડે ફોર્મેટ રમે છે અને તેના નામે 86 આંતરરાષ્ટ્રીય સદીઓ નોંધાયેલી છે. તે હવે સચિન તેંડુલકરના વિશ્વ ક્રિકેટમાં સર્વોચ્ચ 100 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે.