સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

અમદાવાદ, 3 સપ્ટેમ્બર: ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે અમદાવાદ ખાતે 87 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને ગુજરાતી સંગીતને આગવી ઓળખ આપી હતી.

ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર 1938ના રોજ થયો હતો. તેમના પિતા, દિવંગત સંગીતકાર અવિનાશ વ્યાસ, પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરે તેઓ હાર્મોનિયમ પર 'વૈષ્ણવજન' વગાડતા હતા. શરૂઆતમાં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમો કરી મુંબઈમાં નોકરી કરી હતી, પરંતુ સંગીત પ્રત્યેના લગાવને કારણે તેમણે પોતાનું જીવન સંગીતને સમર્પિત કર્યું.

પિતા સાથે 'જેસલ તોરલ'માં સહાયક તરીકે કામ કર્યા બાદ તેમણે 'લાખો ફૂલાણી' ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ કર્યો. તેમના સંગીતમાં 'ભવની ભવાઈ', 'મણિયારો', 'નસીબની બલિહારી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર જેવા દિગ્ગજ ગાયકો પાસેથી ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતાં.

લતા મંગેશકરના કંઠે ગવાયેલું 'દીકરી તો પારકી થાપણ કહેવાય' અને પ્રફુલ્લ દવેએ ગાયેલું 'મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો' જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેમના સંગીતમાં ગુજરાતી લોકસંસ્કૃતિ અને ભક્તિ સંગીતનો સમન્વય જોવા મળતો હતો.

ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. તેમની વિદાયથી ગુજરાતી સંગીતની એક સમૃદ્ધ પેઢીનો અંત આવ્યો છે.