અમદાવાદમાં ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
ગૌરાંગ વ્યાસ સુપ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર હતા. સંગીતનો વારસો તેમને પરિવારમાંથી જ મળ્યો હતો. બાળપણથી જ સંગીત પ્રત્યે ઊંડો રસ ધરાવતા ગૌરાંગ વ્યાસે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ પ્રકારના સંગીતની તાલીમ મેળવી હતી.
તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને ગુજરાતી ગીતકારો, કવિઓ તથા ગઝલકારોની 500થી વધુ રચનાઓને સંગીતબદ્ધ કરી હતી. તેમની રચનાઓમાં ગુજરાતી લોકજીવન, સંસ્કૃતિ, લાગણી અને પરંપરાની છાપ જોવા મળતી હતી.
‘લવની ભવાઈ’ જેવી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ સહિત અનેક ફિલ્મો સાથે તેમનું સંગીત જોડાયેલું હતું. ફિલ્મી સંગીત ઉપરાંત તેમણે નૃત્યનાટિકા અને ટેલિવિઝન ક્ષેત્રે પણ સંગીત આપ્યું હતું.
ગૌરાંગ વ્યાસના સંગીત સાથે જોડાયેલી જાણીતી ફિલ્મો અને રચનાઓમાં લવની ભવાઈ, દીકરી તો પારકી થાપણ કહેવાય, સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ગઈતી મેળે વગેરેનો સમાવેશ થાય છે.
લોકસંગીત, ભજન, રાસ-ગરબા અને નૃત્યનાટિકા ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ગુજરાતી લોકસંગીતને નવી પેઢી સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન રહ્યું છે.
તેમણે પિતાના સંગીત વારસાને જાળવી રાખીને પોતાની અલગ શૈલી વિકસાવી હતી. સંગીતકાર, ગાયક અને દિગ્દર્શક તરીકેની તેમની કારકિર્દી ગુજરાતી સંગીત જગત માટે યાદગાર રહી છે. તેમના નિધનથી કલાકારો, સંગીતકારો અને ગુજરાતી ફિલ્મપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી છે.